Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

જેતપુરમાં લાખોના ચરસના જથ્થા સાથે સલીમ સમા પકડાયો

રૂરલ એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઇ મહેન્દ્રસિંહ રાણા તથા : પીએસઆઇ વાય.બી.રાણાની ટુકડીનો નવાગઢમાં દરોડોઃ ૬ લાખનો ચરસનો જથ્થો સહિતનો મુદામાલ કબ્જેઃ પકડાયેલ સલીમ એક વર્ષથી ચરસનો ધંધો કરતો'તોઃ છુટકમાં ૧૧૦૦ રૂ.માં પડીકી વેચતો'તોઃ સલીમ કાશ્મીરથી મહમદ નામના શખ્સ પાસેથી કુરીયર મારફત ચરસનો જથ્થો મંગાવતો હતો અને તેનું પેમેન્ટ બેન્ક મારફત કરતો'તોઃ રાજકોટ શહેરમાં તાજેતરમાં ચરસ અને ગાંજોનો મોટો જથ્થો પકડાયો હોય અને તેનું કનેકશન પણ કાશ્મીર હોય તપાસમાં રાજકોટ પોલીસની મદદ લેવાશેઃ એસપી બલરામ મીણા

 

તસ્વીરમાં પ્રેસ કોન્ફરસમાં માહીતી આપતા એસપી બલરામ મીણા, ડાબી બાજુ રૂરલ એસઓજીના પીએસઆઇ વાય.બી.રાણા, એલસબીના પીએસઆઇ જે.એમ.ચાવડા, રૂરલ એસઓજીના પીઆઇ એમ.એન.રાણા, પીએસઆઇ એચ.એ.જાડેજા તથા રૂરલ એસઓજી અને એલસીબીનો  સ્ટાફ નજરે પડે છે. ડાબી બાજુ નીચેની તસ્વીરમાં ચરસના જથ્થા સાથે પકડાયેલ સલીમ સમા અને વચ્ચેની તસ્વીરમાં ચરસ અને ચોરાઉ મુદામાલ તથા છેલ્લી તસ્વીરમાં પકડાયેલ તસ્કર બેલડી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૬: જેતપુરના નવાગઢમાં રૂરલ એસઓજીએ દરોડો પાડી લાખોના ચરસના જથ્થા સાથે એક મુસ્લીમ શખ્સને ઝડપી લીધો છે. રાજકોટ બાદ જેતપુરમાં ચરસના વેચાણના નેટવર્કનો પર્દાફાશ થયો છે. રાજકોટની જેમ જ જેતપુરમાં પકડાયેલ ચરસ પ્રકરણમાં કાશ્મીરનું કનેકશન ખુલ્યું છે.

ચરસ પ્રકરણ અંગે રૂરલ એસપી કચેરી ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં એસપી બલરામ મીણાએ માહીતી આપતા જણાવ્યું હતું કે  જેતપુરના નવાગઢ ખાટકીવાસ ગેસના ગોડાઉન વિસ્તારમાં રહેતો મુસ્લીમ શખ્સ સલીમ સીદીક સમા ચરસનો ધંધો કરતો હોવાની બાતમી એક જાગૃત નાગરીક મારફત મળતા રૂરલ એસઓજીને વોચમાં રહેવા સુચના આપી હતી.

ત્યાર બાદ રૂરલ એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ એસઓજીના પીઆઇ મહેન્દ્રસિંહ રાણા તથા પીએસઆઇ વાય.બી.રાણાની ટીમે નવાગઢના અકાલાની ધાર વિસ્તારમાં આવેલ દરગાહ પાસેની સલીમની ઓરડીમાં રેડ કરતા ત્યાંથી ચરસ ૬પ૦ ગ્રામ કિ. રૂ. ૬ લાખનું મળી આવતા પોલીસે સલીમ સમાને ચરસનો જથ્થો રોકડા રૂ. ૪૦,૦૦૦, મોબાઇલ ,કાટો, વજનીયા સહીતના તમામ મુદામાલ કિ. રૂ. ૬,૪૦,૭૮૦ સાથે પકડી પાડયો હતો અને આ અંગે જેતપુર સીટી પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.

પત્રકાર પરીષદમાં એસપી બલરામ મીણાએ વધુ માહીતી આપતા જણાવ્યું હતું કે,  પકડાયેલ સલીમ સમા છેલ્લા એકાદ વર્ષથી જેતપુરમાં ચરસનો ધંધો કરે છે. સલીમ છુટકમાં ચરસની પડીકી ૧૧૦૦ રૂ.માં વેચતો હોવાનું ખુલ્યું છે. સલીમ એક વર્ષ પુર્વે રાજસ્થાનના અજમેર ખાતે ઉર્ષના મેળામાં ગયો ત્યારે જમ્મુ-કાશ્મીરના મહમદ નામના શખ્સ સાથે ઓળખાણ થતા તેની પાસેથી ચરસનો જથ્થો કુરીયર મારફત જેતપુર મંગાવી છુટક વેચાણ કરતો હતો. આ ચરસના જથ્થાનું પેમેન્ટ તે બેન્ક મારફત જ કરતો હતો.

થોડા સમય પુર્વે રાજકોટમાંથી ચરસ અને અફીણ વેચાણના નેટવર્કનો પર્દાફાશ થયા બાદ   જેતપુરમાંથી પણ ચરસ વેચાણના નેટવર્કનો પર્દાફાશ થયો હોય અને રાજકોટ અને જેતપુરના ચરસ અને ગાંજા પ્રકરણમાં કાશ્મીરનું કનેકશન હોય જેતપુરના ચરસ પ્રકરણની તપાસમાં  રાજકોટ સીટી પોલીસની મદદ લેવામાં આવશે તેમ એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું.

આ કાર્યવાહીમાં રૂરલ એસઓજીના હેડ કો. ઉપેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઇ ચાવડા, અતુલભાઇ ડાભી, સંજયભાઇ નિરંજની, દિનેશભાઇ ગોંડલીયા,  દિલીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા રણજીતભાઇ ધાંધલ સહીતનો સ્ટાફ જોડાયો હતો.(૪.૧૪)

(4:45 pm IST)