Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

સૌરાષ્‍ટ્રમાં પ દિવસ ભારે વરસાદની આગાહીઃ સમુદ્રમાં તોફાની પવનની સંભાવના

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. મોસમનો કુલ વરસાદ 105 ટકા વરસાદ નોંધાઇ ચુક્યો છે. જો કે, સૌથી વધુ વરસાદ તલાલામાં 6 ઈંચ પડ્યો છે. જ્યારે લોધિકા, જોડિયા, પડધરી, અને ચોટીલામાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યામાં સૌથી વધુ કચ્છમાં 130 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 84 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં 99.82 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 100 ટકા વરસાદ જ્યારે દક્ષિણ ગુજરાતમાં 114 ટકા વરસાદ નોંધાયો છે. આગામી 48 કલાક સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ કચ્છમાં 6 અને 7 સપ્ટેમ્બરના સમુદ્રમાં તોફાની રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને લઇને માછીમારી અર્થે સમુદ્રમાં ન જવાની સૂચના અપાઈ છે. ચોટીલા પંથકમાં ધોધમાર વરસાદ વચ્ચે સ્કૂલે ગયેલા બાળકો અટવાયા અને જીવના જોખમે બાળકો વહેતા પાણીમાંથી નીકળવું પડ્યું હતું. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે જેના કારણે ડેમની સપાટી 135.75 મીટરે પહોંચી ગઇ છે. ત્યારે ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 304069 ક્યૂસેક પાણીની આવક થઇ છે. જેને લઇને નર્મદા નદી કાંઠાના 20 ગામના લોકોને સાવધાન રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

રાજ્યના અનેક વિસ્તારમાં અચાનક જ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. ત્યારે મોરબી જિલ્લાનો મહાકાય મચ્છુ-1 ડેમની સપાટી પરથી પાણી 0.46 મીટરથી ઓવરફ્લો થઇ રહ્યું છે. મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાઇ ગયો છે. જેને લઇને મચ્છુ-2 ડેમના 11 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યારે મચ્છુ-3 ડેમના 10 દરવાજા સવા પાંચ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. તો બીજી તરફ કચ્છમાં 6 અને 7 સપ્ટેમ્બરના સમુદ્રમાં તોફાની રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને લઇને માછીમારી અર્થે સમુદ્રમાં ન જવાની સૂચના અપાઈ છે અને જે બોટ હાલ દરિયામાં માછીમારી માટે ગઈ છે તેમને પાછી બોલાવવાની પણ સૂચના આપવામાં આવી છે.

જો કે, કચ્છમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ મુન્દ્રામાં 59 મિમી નોંધાયો છે. જ્યારે માંડવીમાં 29 મિમી અને ભૂજમાં 14 મિમી વરસાદ નોંધાયો છે. ચોટીલા પંથકમાં ધોધમાર વરસાદમાં બાળકોનો જીવ દાવ ઉપર લગાવ્યો હતો. ચોટીલાના ખેરડી ગામે સ્કૂલે ગયેલા બાળકો અટવાયા હતા અને જીવના જોખમે બાળકોને વહેતા પાણીમાંથી પસાર થવુ પડ્યું હતું. સ્કૂલ અને ગામ વચ્ચે આવેલી નદી પર કોઝવે ધોવાયો હોવાથી સ્કુલ ગયેલા બાળકોને નદી પાર કરવાં ગામ લોકોએ નિસરણી અને ખાટલા રાખ્યા હતા. ખેરડી ગામના લોકોએ બાળકોને સહી સલામત નદી પાર કરાવી પોત પોતાના ઘરે મોકલ્યા હતા.

(5:27 pm IST)