Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

જૂનાગઢ ગીર ફોરેસ્ટના સીસીએફ અને ગીર પશ્ચિમની ડીસીએફ કચેરીના સામાનની જપ્તી કરવા કોર્ટનો આદેશ

જૂનાગઢ, તા. ૬ :. નિવૃત આરએફઓને પે ફિકસેશન મુજબ આર્થિક લાભ ન ચુકવાતા સીસીએફ ડી.ટી. વસાવડા અને ડીસીએફ ધીરજ મિતલ વિરૂદ્ધ જંગમ જપ્તી વોરન્ટ ઈસ્યુ થયા બાદ બાકી નીકળતી રકમ વસુલવા માટે સામાન જપ્તી કરવા કોર્ટે આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે.

બે આરએફઓને ૧૯૮૨માં પ્રમોશન મળી જવા છતા તેનો પગાર વધારો ના અપાતા કોર્ટ કેસ થયો હતો અને નિવૃત આરએફઓ બી.જી. ડોડીયા અને એ.ડી. બ્લોચે કરી કોર્ટમાં ફરીયાદ કરી હતી. ૨૦ જાન્યુ. ૨૦૧૭ના રોજ ૪ લાખ ચૂકવવાનો કોર્ટનો આદેશ છતા ના ચૂકવતા જપ્તીનો આદેશ અપાયો છે. અધિકારીઓની કચેરીની જંગમ મિલ્કત જપ્ત કરી ફરીયાદીને ચૂકવવા વોરંટ નિકળ્યુ છે. વકીલને સાથે રાખી બે નિવૃત અધિકારી અને સીસીએફ, ડીસીએફ કચેરીનો સામાન જપ્ત કરાશે.

ફરીયાદી નિવૃત આરએફઓ અને કોર્ટના બેલીફ વન વિભાગની કચેરીએ પહોંચ્યા બાદ બે દિવસમાં નાણા ચૂકવી આપવા વન અધિકારીએ ખાતરી આપતા કોર્ટ કાર્યવાહી રોકવામાં આવી હતી અને ફરીયાદી દ્વારા સંમતિ આપતા વિવાદીત મામલો પહોંચ્યો હતો. વન વિભાગ દ્વારા બે દિવસમાં નાણા નહી ચુકવાય તો ફરીથી કાર્યવાહી કરાશે.

શું છે સમગ્ર મામલો

વન વિભાગે બે નિવૃત આરએફઓને પે ફિકસેશન આપ્યુ નહોતું. છેક ૧૯૮૨માં પ્રમોશન મળી જવા છતા તેનો પગાર વધારો નહોતો અપાયો. આ મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટે પે ફિકસેશનની રકમ ચૂકવવા વન વિભાગને હુકમ પણ કર્યો હતો. આમ છતા તેની અમલવારી નહોતી થઈ. આથી બન્ને નિવૃત આરએફઓના વકીલે કોર્ટમાં અરજી કરી હતી. આખરે કોર્ટે સીસીએફ અને ડીસીએફની કચેરીની જંગમ જપ્તીનો હુકમ કર્યો હતો.

વન વિભાગના નિવૃત આરએફઓ બી.જી. ડોડીયા અને એ.ડી. બ્લોચને પ્રમોશન મળ્યા બાદ બાદ છેક ૧૯૮૨થી પે ફિકસેશન મળ્યું નહોતું. આથી તેઓએ સિનીયર સિવીલ કોર્ટમાં દાવો કર્યો હતો. જેના અનુસંધાને કોર્ટે તા. ૨૦ જાન્યુ. ૨૦૧૭ના રોજ બન્ને અધિકારીઓની તરફેણમાં હુકમ કરી એક આરએફઓ દીઠ રૂ. ૪ લાખ જેવી રકમ ચુકવવાનો આદેશ કર્યો હતો. પરંતુ વન વિભાગે તેઓનું પે ફિકસેશન ચુકવ્યું નહોતું. આથી તેઓને અપીલ પણ કરી હતી. દરમિયાન તેઓના વકીલ ચેતન ચંપકે કોર્ટમાંથી જંગમ જપ્તીનું વોરંટ કઢાવ્યું હતું. જે અંતર્ગત કોર્ટે ગિર પશ્ચિમની સીસીએફ અને ડીસીએફ કચેરીના સામાનની વસુલ કરવાની થતી રકમ જેટલી જંગમ જપ્તી કરવાનો હુકમ ફરમાવ્યો હતો.

સીસીએફ અને ડીસીએફએ કોર્ટમાં તા. ૫ સુધીમાં લેણુ ચુકવી આપવા લેખીત ખાત્રી આપેલ પણ હજુ સુધી ચુકવ્યુ ન હોવાનું જાણવા મળી રહ્યુ છે.

(1:23 pm IST)