Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતી નિમિતે પોરબંદર અને દાંડીથી રેલી

દે દી હમે આઝાદી બિન ખડગ, બિના ઢાલ, સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ : હેલ્મેટધારી યુવાનો બાઈક લઈને જોડાશેઃ બન્ને રેલીનું ૨૬મીએ પ્રસ્થાનઃ બીજી ઓકટોબરે ગાંધી આશ્રમમાં સમાપન સમારોહ

ગાંધીનગર, તા. ૬ :. કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦માં જન્મ જયંતિ વર્ષની ઉજવણી નિમિતે ગુજરાતમાં તા. ૨૬ સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર સુધી દાંડી અને પોરબંદરથી અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ સુધીની બાઈક રેલીનું આયોજન કરાયુ છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંડી ગામેથી ગાંધીજીએ ૧૯૩૦માં મીઠાનો સત્યાગ્રહ કરેલ. જ્યારે પોરબંદર ગાંધીજીનું જન્મ સ્થળ છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ ગાંધી આશ્રમ આઝાદી પહેલાનું ગાંધીજીનું રહેઠાણ હતું. અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી હતી. આમ ત્રણેય સ્થળ બાપુના જીવન સાથે મહત્વની રીતે સંકળાયેલા હોવાથી તેની પસંદગી કરવામાં આવી છે.

ગાંધીજીનો જન્મ ૨ ઓકટોબર ૧૮૬૯ના દિવસે થયેલ. તેમની જન્મ જયંતીના ૧૫૦માં વર્ષની ઉજવણી નિમિતે તેમનો સંદેશ ગામેગામ ફેલાવવા અને તેને નિમિત બનાવી જનસંપર્ક કરવા કોંગ્રેસ દ્વારા બન્ને રેલીનું આયોજન કરાયુ છે. પોરબંદરથી ગાંધી આશ્રમ સુધીનો રૂટ ૨૭૫ કિ.મી. જેટલો થાય છે. તેની આગેવાની વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી સંભાળશે. દાંડીથી ગાંધી આશ્રમ સુધીનો રૂટ ૪૦૦ કિ.મી. જેટલો થાય છે. તે રૂટની યાત્રાનું નેતૃત્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કરશે. બન્ને રેલીમાં પ્રદેશ તરફથી ૫૦ - ૫૦ બાઈકસ્વાર યુવાનો જોડાશે. ઉપરાંત જે તે જિલ્લાના સ્થાનિક યુવાનો જોડાતા રેલી મોટી થઈ જશે. મુખ્ય માર્ગો ઉપરાંત નજીકના ગામડાઓમાં પણ રેલી ફરશે. વિધાનસભાની પેટાચૂંટણી આવી રહી છે તેવા ૩ થી ૪ મતક્ષેત્રો યાત્રાના રૂટમાં સમાવેશ થઈ જશે. બન્ને રેલી ૧ ઓકટોબરે રાત્રે અમદાવાદ પહોંચશે. ૨ ઓકટોબરે સવારે બન્ને રેલી અમદાવાદના જુદા જુદા વોર્ડમાં અલગ અલગ રીતે ફરી બપોર પછી ગાંધી આશ્રમ પહોંચશે ત્યાં સમાપન સમારોહ યોજાશે. આ પ્રસંગે કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય નેતા હાજર રહે તેવી સંભાવના છે. નવરાત્રીના તહેવારો ૨૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યા છે. તેને અનુલક્ષીને અથવા અન્ય કોઈ કારણસર આયોજનમાં સામાન્ય ફેરફારની શકયતા નકારાતી નથી.

(1:20 pm IST)