Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ઘેડ પંથકમાં ભાદરના પાણીની રેલમછેલઃ માટીના પાળામાં ગાબડાં

કેનાલ ઉપરના દરવાજા ખોલી નાખતા જળાશયમાં ગોસા ઘેડ સહિત ગામોમાં સિંચાઇ માટેનું પાણી સંગ્રહ થતુ નથીઃ પાળા તુટતા દરિયામાં વહી જતુ પાણી : ખેડૂત આગેવાનો સ્થળ ઉપર દોડી ગયા

ગોસા ઘેડ તા. ૦૬: ઘેડ પંથકમાં ભાદર  નદીના પાણીની રેલમ છેલ થતા દરિયામાં વહી જતા પાણી રોકવાના માટીના પાળા તુટી જતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. કેનાલ ઉપરના બારણા ખોલી નાખવામાં આવતા કેનાલનુ વધારાનું પાણી છોડી દેવાતા જળાશયોમાં ગોસાઘેડ રાતિયા સહિતના ગામો માટે સિંચાઇ માટેનું પાણી ટકતુ નથી. માટીના પાળા તુટતા ગોસા ઘેડના સરપંચ સહિત આગેવાનો સ્થળ ઉપર દોડી જઇને તંત્રની બેદરકારી  સામે રોષ વ્યકત કર્યો હતો.

ગોસા (ઘેડ) સહિતના ૧૦ થી ૧૫ જેટલાં ગામડાંઓની હજારો એકર જમીનમાં સિંચાઈની સુવિધા આપતો કલીજળાશય ડેમ૧ તથા કર્લીજળાશય ડેમ ૨ ગોસા (ઘેડ) અને ટુકડા અને મોકરની જમીન પર સાકાર થયેલો છે.કર્લી-૧ અને કર્લી-૨ ડેમમાં વરસાદી પાણી નો સંગ્રહ ચિકાસા પાસેની ભાદર નદી,પાથરા કેનાલ,ઉગલી નદી,મીણસાર તેમજ રાતીયા પાસેની કેનાલ મારફત થાય છે. જે પોરબંદર ક્ષાર અંકુશ કચેરીના કાર્યક્ષેત્રમાં આવે છે.

ગોસા(ઘેડ) અને ચિકાસા ગામની હદમાં આવેલ પાથરા કેનાલ તેમજ રાતીયા પાસે આવેલ કેનાલમાં જયારે દરિયાઈ ખારા પાણી આ કેનાલો માફત આગળ ના આવે તે માટે પાથરા કેનાલ પર ગેટ મૃકવામાં આવેલ છે જયારે રાતીયા ગામ પાસેની કેનાલ માં આવા ગેટ,બારણા ના વિકલ્પે માટીના પાળા દર વખતે ચોસામા પહેલા અંદાજે પાચેક લાખના આંધળકીયા ખર્ચે બાંધવામાં આવે છે. પરંતુ કોઈ કાયમી નકકર આયોજન કરીને ગેટ કે બારણા મુકવામાં ન આવતા અને વરસાદી પાણીનો પ્રવાહ વધ આવે ત્યારે આ પાળાને તોડીને લાખો ગેલન પાણી દરિયામાં આ રાતીયા પાસેની કેનાલ વાટે વહી જતું હોય છે. જયારે પાથરા કેનાલ પર બારણાં હોવાથી જયારે દરિયાઈ પાણી ગામોની સીમમાં ન ફળીવળે તે માટે બંધ કરવામાં આવતાં હોય ખારૂ પાણી આગળ વધતુ અટકાવી શકાય છે. અને વરસાદી પાણીનો પ્રવાહ વધુ  હોય તો પાથરાના બારણા ખોલી નાખવાથી કોઈ નુકશાની થતી નથી.અને સમપ્રમાણમાં વરસાદી પાણી રહે ત્યારે ફરી બારણાં બંધ કરી દેવાય તેવી સુવિધા પાથરા કેનાલ પર છે.

 ઓણ સાલ પહેલા અને બીજા રાઉન્ડમાં વરસાદ નહિવત પડેલો હતો. પરંત તાજેતરમાં ગોસા(ઘેડ) સહિતના ઘેડના તેમજ ઉપરવાસ પણ વરસાદ સચરાસર સારા પ્રમાણમાં પડતાં અને તે પાણી ભાદર નદી તેમજ પાથરા અને રાતીયા ગામના કૈનાલમાં પુરબહાર આવતાં ભાદર પુલના અને પાથરા કેનાલ પર બારણાં હોવાથી તે વરસાદી પાણી દરિયામાં વહી જતાં અટકાવી શકાયું છે પણ રાતીયા ગામ પાસેની કેનાલમાં બાંધેલ માટીના પાળા ને ઠેકઠેકાણે તોડીને વરસાદી પાણી હાલ દરિયામાં વહી રહયું છે.આ અંગેના સમાચાર ગોસા(ઘેડ)ના સરપંચ પોલાભાઈ આગઠ,પુર્વ ઉપસરપંચ વિરમભાઈ આગઠ ને થતાં ગોસા(ઘેડ) ના ખેડુતો અરજન લીલા,કારા કાના,વેજા દુદા,રાજા ભીમા,વેદે કાના,લીલા ખીમા,લખુ નાગા સહિતના તુરંત રાતીયા ગામે દોડી ગયા હતા. પરંતુ ત્યાની સ્થિતિ કાબુ બહાર હોય પાણી કોઈ સંજોગોમાં રોકાય તેવી સ્થિતિના હોય તેમજ પાળામાં ઠેકઠેકાણે ગાબડાં પડી જતાં પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી દરિયામાં વહી રહયું છે.

સરકાર વરસાદી પાણીના સંગ્રહ કરવા જળસંચય અભિયાનો પાછળ લાખો રૂપિયા ખર્ચે છે. અને તેના મીઠા પાણીનો સંગ્રહ થતાં તેના મીઠા ફળ પણ મળેલ છે. પરંતુ પોરબંદર ક્ષાર અંકુશ કચેરના સરકારી જવાબદાર અધિકારીઓને લાપરવાહી અને અણઘડ વહીવટીના કારણે દર વર્ષની જેમ આ વર્ષે રાતીયા ગામે કેનાલ પર હજારો રૂપિયાના ખર્ચે આડશરૂપી બાંધવામાં આવેલા માટીના પાળા વરસાદના પુરપાણીના પ્રવાહ સામે ટકી ના શકતાં તે પાળા તુટી જતાં હાલ હજારો ગેલન વરસાદી પાણી જવાબદાર અધિકારીઓના પરિણામે દરિયામાં જતુ નજરે પડે છે. તેમજ ભાદર પુલના બારણાં તેમજ પાથરા કેનાલ પર મકવામાં આવેલા બારણા પણ ચિકાસા ગામના અમુક આવારા તત્વો તેમજ મુઠીભર માણસો કોઈ પણ જાતની મંજુરી લીધા વગર વરસાદી પાણી નો જળસંચય કરવાના બદલે બારણાં દર વખતે ખોલી નાખવામાં આવતાં કર્લી જળાશયો ખાલી રહેતા હોવાથી ગોસા(ઘેડ) સહિતના રતનપર,ઓડદર,ટુકડા,રાજપર,કેશોદ (લુશાળા),મિત્રાળા,દેરોદર,એરડા,પાદરડી સહિતના ગામોની જમીનને સિંચાઈ કરવા માટે ડેમમાં પાણીનો સંગ્રહ ન થવાથી આર્થિક રીતે ભારે નુકશાની ભોગવવી પડે છે. આ બાબતે આ વિસ્તારના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા પાસે ગોસા(ઘેડ)ના ખેડૂતો દોડી જઈ ખેડુતોની કથની વર્ણવી હતી. ત્યારે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ તુરંત જ ક્ષાર અંકુશ વિભાગ તેમજ લાગતા વળગતા ને તાકીદ કરીને ખેડુતોની સમસ્યા તાકીદે નિવારવા સુચના આપી હતી. ભાદર પુલના તેમજ પાથરાના બારણાં કોઈ પણ મંજુરી વગર ખોલી નાખતા તત્વો સામે પણ લાલ આંખ કરવા જવાબદાર અધિકારીઓને ધારાસભ્યશ્રીએ તાકીદ કરી છે.

(1:15 pm IST)