Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

અંજારમાં પ્લોટ પાડી ખાનગી બેંક પાસેથી ૧૮ વ્યકિતઓના નામે ૧.૧૫ કરોડની હોમલોન લઈ ઠગાઈ કર્યાની શ્રીજી કન્સ્ટ્રકશન સામે ફરિયાદ

ભુજ તા.૦૬:  અંજારને અડીને આવેલા સતાપર ગામે રેવન્યુ સર્વે નંબર ૪૨૮/૨ માં માધવરાય પાર્ક ના નામે સ્કીમ બહાર પાડીને શ્રીજી કન્સ્ટ્રકશન કંપની દ્વારા હોમ લોનના નામે ઠગાઈ કરાઈ હોવાની પોલીસ ફરિયાદે કચ્છની બિલ્ડર લોબીમાં હલચલ મચાવી છે.

અંજાર અને ગાંધીધામમાં ઓફિસ ધરાવતા શ્રીજી કન્સ્ટ્રકશનના મૌલિક ઠકકર દ્વારા ૧૮ વ્યકિતઓના નામે એનએ કરાયેલા ૧૮ પ્લોટ ઉપર અલગ અલગ વ્યકિતઓને નામે ઇન્ડિયા હોમલોન લિમિટેડ નામની ખાનગી બેંક દ્વારા અલગ અલગ રકમની  કુલ ૧ કરોડ અને ૧૫ લાખ રૂપિયાની હોમલોન મેળવવામાં આવી હતી.

આ તમામ રકમ બિલ્ડર મૌલિક ઠક્કરના બેંક ખાતામાં જમા થઈ હતી. જોકે, હોમલોન ના રૂપિયા બે મહિના બાદ નહીં ભરાતા ખાનગી બેંક દ્વારા કરાયેલી તપાસમાં ચોંકાવનારી વિગતો ખુલી હતી, કોઈ પણ પ્લોટ ઉપર મકાનનું બાંધકામ થયું નહોતું, તેમ જ લોન જેમના નામે લેવાઈ તેમને પ્લોટ કે મકાનોનો કબ્જો પણ આપવામાં આવ્યો નહોતો.

આ ઠગાઈ ની જાણ થયા બાદ પણ બિલ્ડરે દાદ ન આપતાં અંતે બિલ્ડર મૌલિક ઠકકર વિરુદ્ધ ૧૮ અરજદારો તેમ જ ખાનગી બેંક સાથે ૧ કરોડ ૧૫ લાખની ઠગાઈની ફરિયાદ કરાઇ છે. ઉઘરાણી દરમ્યાન બિલ્ડરના મિત્ર વિમલ મહેતાએ બેંક મેનેજરને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેની સામે પણ પોલીસ ફરિયાદ કરાઈ છે.

(12:13 pm IST)