Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

આખરે ભાણવડ પર મેહુલો ઓળઘોળ

સમગ્ર પંથકમાં સચરાચર વરસાદઃ નદી નાળા છલકાયા

ભાણવડ, તા., ૬: લાંબા વિરામ બાદ આખરે ભાણવડ  પર મઘાએ મહેર કરતા ભાણવડનું મેણુ ભાંગ્યું છે અને છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદને કારણે સમગ્ર પંથકના નદી-નાળાઓ છલકાવા લાગ્યા છે અને પાણી સંગ્રહના સ્ત્રોતોમાં ાતબર રાશીમાં પાણીની આવક શરૂ થઇ ગઇ છે.

ભાણવડ શહેરમાં છેલ્લા બે દિવસમાં ચાર ઇંચ જેટલું પાણી પડી ગયું છે. ગઇકાલે બુધવારે બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા પોણા કલાકમાં જ બે ઇંચ વરસાદ ખાબકી જતા ચારે તરફ પાણી-પાણી થઇ ગયું હતું ત્યારે આજે ફરીવાર બપોરના સવાચાર વાગ્યાથી શરૂ થયેલા વરસાદે વધુ બે ઇંચ પાણી વરસાવી દેતા શહેરમાં પાણી-પાણી થઇ ગયું હતું અને ભાણવડની ફલકુ નદીમાં મોસમનું પહેલું પુર આવતા શહેરીજનોમાં હરખની હેલી ફેલાઇ ગઇ હતી પુર જોવા લોકો ટોળા ઉમટી પડયા હતા.

ગઇકાલે પડેલા ધોધમાર વરસાદને પગલે ભુગર્ભ ગટરો ઉભરાવા લાગી હતી અને ગટરોના ગંદા પાણી શહેરોના માર્ગો પર ફરી વળ્યા હતા અને ભુગર્ભના લોલમલોલ કામની પોલ ખોલી નાખી હતી. અગાઉ પણ છાશવારે ભુગર્ભ ગટરો છલકાવાની ફરીયાદો ઉઠવા પામી છે.પરંતુ નિંભર પાણી પુરવઠા બોર્ડ અને ભાણવડ પાલીકા દ્વારા સહેજ પણ દરકાર લેવામાં આવી ન હોઇ પ્રજાને ભોગવવાનો વારો આવ્યો છે. શહેરમાં હાલ રોગચાળો ફેલાવાની દહેશત સેવાઇ રહી છે ત્યારે આજે પણ ભારે વરસાદને પગલે ભુગર્ભ ગટરો છલકાવા લાગી હતી.

ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસ દરમ્યાન અતિભારે વરસાદ પડતા નદી-નાળા છલકાઇ ગયા છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ છેે. તાલુકાના ગામડાઓમાં સરેરાશ ત્રણથી લઇ છ ઇંચ સુધી વરસાદ છેલ્લા બે દિવસથી પડી જતા પાણી પાણી થઇ ગયા છે. નદી-નાળાઓ અને ચેકડેમો છલકાઇ ગયા હોઇ ભાણવડની જીવાદોરી સમાન પાણીની આવક શરૂ થઇ ગઇ છે. ચોમાસાની શરૂઆતથી વરસાદમાં પછાત રહી ગયેલા ભાણવડ પંથક પર ભાદરવામાં મેઘ મહેર થતા મ્હેણુ ભાંગ્યું હતું.

(12:08 pm IST)