Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

બગસરામાં શિક્ષક દિને જ નારાજ શિક્ષકોએ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો

બગસરા,તા.૬: શિક્ષકદિનના દિવસે જ બગસરા તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા ૨૦૧૦ માં ભરતી થયેલા શિક્ષકો સાથે થતા અન્યાય બાબતે આજે તાલુકા દ્યટક સંઘના હોદ્દેદારોને આવેદનપત્ર પાઠવ્યુ હતુ તેમજ ન્યાયની માગણી કરી હતી.

ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા નિયમો મુજબ ૨૦૧૦ અને તે પછી ભરતી થયેલા રાજયના તમામ પ્રાથમિક શિક્ષકોને તેમના પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ પગાર વખતે મળવાપાત્ર ૪૨૦૦ ના ગ્રેડ પે ને બદલે હવે ૨૮૦૦ ગ્રેડપે આપવા બાબતે નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને કારણે ૨૦૧૦ પછી ભરતી થયેલા રાજયના હજારો શિક્ષકોને અન્યાય સહન કરવાનો વારો આવવાનો છે.

આ બાબતે આજે બગસરા તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો ને શિક્ષકદિનના રોજ આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ સરકારમાં શિક્ષકોને તેમના મળવાપાત્ર ૪૨૦૦ ગ્રેડ પે અપાવવા બાબતે આક્રમક રજૂઆત કરવા માટે માંગ કરવામાં આવી હતી.

ઉપસ્થિત તાલુકા ઘટક સંદ્યના પ્રમુખ રમેશભાઇ માલવયા, મંત્રી બળવંતભાઈ મહેતા, રાજય સંઘના પ્રતિનિધિ પ્રદીપભાઈ લશ્કરી,ખજાનચી કિશોરભાઈ ગોંડલીયા તેમજ અન્ય હોદ્દેદારો દ્વારા શિક્ષકોની આ રજૂઆતને વાચા આપવા સંકલ્પ વ્યકત કર્યો હતો. આવેદનપત્ર આપવાના આ કાર્યક્રમમાં પ્રાથમિક શિક્ષકો તથા શિક્ષિકા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

(10:28 am IST)