Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

શિક્ષક દિન પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના પાંચ શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન કરાયું

જિલ્લા તાલુકાના શિક્ષકોનું રોકડ પુરસ્કાર શાલ ઓઢાડી સન્માન

પ્રભાસ પાટણ,તા.૬: -ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનાં જન્મ દિવસ ૫ સપ્ટેમ્બર નાં રોજ વેરાવળ સ્થિત સરસ્વતી વિદ્યાલયમાં ગીર-સોમનાથ જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર ૫ શિક્ષકોનું શાલ ઓઢાડી સન્માનપત્ર આપી બહુમાન કરાયું હતું. જેમાં જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકને રૂ. ૧૫૦૦૦ અને તાલુકાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકને રૂ.૫૦૦૦ નો ચેક અર્પણ કરી શાલ અને સન્માનપત્ર આપી વિશેષ બહુમાન કરાયું હતું.

રાજય બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઇ જોટવાનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં તેમણે શિક્ષકો-ગુરૂજનોને હંમેશા વંદનીય છે તેમ જણાવી કહ્યું કે,બાળક દેશ અને આવનારી પેઢીનું ભવિષ્ય છે. બાળકનાઙ્ગ દ્યડતરમાં શિક્ષકનો મહત્વનો ફાળો હોય છે. પુર્વમંત્રીશ્રી જશાભાઈ બારડે શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે,ઙ્ગશિક્ષક દિન ફકત ભારતમાંજ ઉજવાઇ છે તે આપણી શિક્ષક પ્રત્યેની લાગણી-વિશ્વાસ છે. આજનો દિવસએ આપણા માટે ગૌરવનો દિવસ છે.

જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકશ્રી સામતભાઈ જાખોત્રાએ તેમના અભિપ્રાયો આપતા કહ્યું કે,શિક્ષક દિનની ઉજવણીમાં શિક્ષકોની સાથોસાથ વિધાર્થીઓનું પણ સન્માન કરવામાં આવતા હું હર્ષની લાગણી અનુભવું છું.

રમળેચી પ્રા.શાળા તાલાળાના આચાર્યશ્રી સામતભાઈ જાખોત્રા,સોનપરા કન્યા પ્રા.શાળા ગીરગઢડાના આ.શિક્ષક કનુભાઈ જાદવ અને સણોસરી પ્રા.શાળા ઉનાના આ.શિક્ષક મનીષાબને પટેલને જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ એવોર્ડ,રૂ.૧૫૦૦૦નો ચેક તેમજ ધ્રામણવા પ્રા.શાળા તાલાળાના આ.શિક્ષક ભાવેશભાઈ મહેતા અને દ્યાંટવડ કુમાર પ્રા.શાળા કોડીનારના આ.શિક્ષક નિતીનભાઈ મોરીને તાલુકાકક્ષાએ એવોર્ડ અને રૂ.૫૦૦૦નો ચેક મહાનુભાવોના હસ્તે અર્પણ કરી સન્માનિત કરાયા હતા.

એકમ કસોટી તેમજ જુદી-જુદી સત્રાંત પરીક્ષામાં ૭૫ ટકાથી વધુ ગુણ મેળવનાર ધોરણ-૬નો વિધાર્થી રિઝવાન બિલાલ,પરવિનબાનુ રફીકશા બાનવા,ધોરણ-૭ કે.જી.વી.બી.વેરાવળની વિધાર્થીની ભૂમિબેન અપારનાથી,નિકુંજ એ.વાજા,ધોરણ-૮ કે.જી.વી.બી.વેરાવળની વિધાર્થીની હિતાર્થી પરમાર અને વિકાસ વી.વાઝા સહિતના વિધાર્થીઓને મહાનુભાવોએ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. ઉપરાંત ગીર સોમનાથ જિલ્લા માંથી ધોરણ-૬ના ૬૭૬,ધોરણ-૭ના ૯૫ અને ધોરણ-૮ના ૨૦૩ સહિત કુલ ૯૭૪ વિધાર્થીઓને મેડલ તેમજ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવશે.

ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને પ્રા.શિક્ષણ અધિકારીની કચેરી ગીર-સોમનાથ દ્વારા આયોજિત શિક્ષકદિન અને જિલ્લાકક્ષા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં નગરપાલીકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી,જિલ્લા શિક્ષણાધિકારી  કૈલા,જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી સગારકા,સાયન્સ કોલેજના આચાર્ય છગબેન તેમજ મોટીસંખ્યામાં શિક્ષકગણ સહભાગી થયો હતો. કાર્યક્રમનું સંચાલન  દિપકભાઇ નિમાવતે અને આભારવિધી વેરાવળ ગર્લ્સ સ્કુલના આચાર્ય એન.ડી.અપારનાથીએ કરી હતી.

(10:27 am IST)