Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ખેડૂતોના દેવા માફી સહિતના પ્રશ્ને સાવરકુંડલામાં કોંગ્રેસ દ્વારા આવેદન

સાવરકુંડલા, તા. ૬ :. ખેડૂતોના દેવા માફી સહિતની સમસ્યાઓ અને રાજ્યમાં લોકતંત્ર બચાવો અન્વયે સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ કિરીટકુમાર એમ. દવેની આગેવાનીમાં નાયબ કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું.

આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, અઢી દાયકાથી ગુજરાતના ખેડૂતની સ્થિતિ કથળતી જઈ રહી છે. આ માટે ભાજપ સરકારની ખેડૂત વિરોધી - પ્રજા વિરોધી નીતિ અને વલણો કારણભૂત છે. ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ દિનપ્રતિદિન દયનીય થતી જાય છે. ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ એટલી રોજીંદી અને સામાન્ય બની ગઈ છે. આ સંજોગોમાં, કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્નો અંગે ગુજરાત સરકારને જાગૃત કરવા અને ખેડૂતોના હિતમાં તાકીદે પગલા ભરવા માંગણી કરી છે.

ગુજરાતાં સૌથી મોંઘી વિજળી, મોંઘુ ખાતર, ખાતર ઉપર વેટ, મોંઘુ બિયારણ તેમજ મોંઘી જંતુનાશક દવાઓની પરિસ્થિતિમાં ખેતપેદાશોની પડતર ઘણી ઉંચી થાય છે. ખેડૂતોએ નાછુટકે લોન લેવી પડે છે ત્યાર પછી પણ ખેડૂતોને ખેતપેદાશનું પુરતુ વળતર નહીં મળવાની સ્થિતિમાં ગુજરાતના ખેડૂતો દેવાના ખપ્પરમાં ડૂબી રહ્યા છે. ભૂતકાળની કોંગ્રેસની સરકારોના શાસનમાં સ્થાપવામાં આવેલા કારખાનાઓ દ્વારા જ વર્તમાન સરકાર ખાતરનું વિતરણ કરી રહી છે. છેલ્લા બે-અઢી દાયકામાં ખાતરના એક પણ નવા કારખાનાની સ્થાપના થઈ નથી, એટલું જ નહિ પરંતુ ખાતરના ઉત્પાદન પર પણ રાજ્ય સરકાર દ્વારા વેરા લાદવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખાતર ઉપર નાખવામાં આવતા વેરા નાબુદ કરવામાં આવે તો ખેડૂતોને રાહત મળે તેમ છે.

ગુજરાત વિધાનસભાની ગત સામાન્ય ચૂંટણી પૂર્વે રાજકીય રોટલા શેકવા માટે સત્તાધારી પક્ષ દ્વારા રાજ્યની તિજોરીમાંથી રૂ. ૪૦૦૦ કરોડની લૂંટ ચલાવી અને ખરીફ-૨૦૧૭માં ટેકાના ભાવે મગફળી ખરીદી મારફતે મતદારોને પ્રલોભન આપવા મુદ્દે તપાસ કરવા માંગ કરી છે. રાજ્ય સરકારે અગ્રીમતાના ધોરણોને ખેડૂતોની ખેતી માટે જરૂરી વિજળી સાનુકુળ સમયે મળે અને સિંચાઈનું પછી મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

રાજ્ય સરકારે ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળે તે માટે તાત્કાલીક કાર્યક્રમ વ્યવસ્થા ગોઠવવી જોઈએ. કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારના સમયગાળામાં મગફળીના રૂ. ૧૨૦૦ અને કપાસના રૂ. ૧૪૫૦ ખેડૂતોને મળતા હતા. લોકસભાની ચૂંટણી પ્રચાર સમયની મગફળીના રૂ. ૧૨૦૦, કપાસના રૂ. ૧૫૦૦ તેમજ ખેડૂતોને ઉત્પાદન પર ૫૦ ટકા આપવાની લોકરંજક બયાનબાજીને બાજુ પર રાખીએ તો પણ રાજ્ય સરકારે તાત્કાલિક પોષણ ભાવે ખેડૂતો પાસેથી ખેતપેદાશોની વાસ્તવિક ખરીદી થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની કોંગ્રેસ પક્ષે માંગણી કરી છે.

હાલમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના લાભને બદલે ખાનગી વીમા કંપનીઓને કરોડો રૂપિયા નફા માટે હોય તેમ જણાય છે. ખેડૂતોને વ્યાજબી ભાવે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે.

ખેડૂતો દ્વારા તેમના વ્યાજબી પ્રશ્નોની રજૂઆત કરવાના બંધારણીય અધિકાર ઉપર પણ રાજ્ય સરકાર પરોક્ષ રીતે તરાપ મારી રહી છે અને ખેડૂતો દ્વારા આપવામાં કાર્યક્રમો ઉપર પોલીસ અત્યાચાર, દમન જેવા સરમુખ્યાત્યારશાહી પગલા લેવામાં આવે છે. ઉપરાંત નહેરોમાંથી સિંચાઈના પાણીની ચોરીના ખોટા કેસો દ્વારા જેલમાં પુરી દેવાની ધમકી ગુજરાતના ખેડૂતોને આપવામાં આવી રહી છે. છેલ્લા ૧૦ વર્ષમાં ખેડૂતોની સંખ્યામાં ૩.૫ જેટલો ઘટાડો થયો છે અને ખેતમજુરોની સંખ્યામાં ૩૬ લાખનો વધારો થયો છે. આ બાબત પણ અત્યંત ગંભીર છે. રાજ્ય સરકારે ગૌચરની જમીનોની જાળવણી માટે વ્યવસ્થા કરવી જોઈએ.

છેલ્લા બે દાયકાથી રાજય સરકાર ખેડૂતોના નામે માત્ર મોટી મોટી વાતો કરે છે અને કરોડો રૂપિયના ખર્ચે કૃષિમેળાના નિરર્થક કાર્યક્રમો યોજે છે, પરંતુ ખેડૂતોના મૂળભૂત અને ગંભીર પ્રશ્નો હલ કરવાની દિશામાં કોઇ ગંભીર કે નક્કર પ્રયાસો કરવામાં આવતા નથી. ખેડૂતોના હિતનું રક્ષણ કરવામાં રાજયની ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.

ભારત દેશની જમીનના રેકોર્ડને વધુ ચોક્કસ કરવા અને આ રેકોર્ડને ડીઝીટલ સ્વરૂપ આપવા માટે કેન્દ્ર સરકાર સહયોગથી ગુજરાત રાજયમાં આ યોજનાનો અમલ વર્ષ ર૦૦૯થી શરૂ થયેલ છે. આ યોજનાના ભાગરૂપે રાજયના પ૪ લાખ ખેડૂતો પૈકી મોટા ભાગના ખેડૂતોની ખેતીની જમીનની માપણી કરી રેકોર્ડને ડીઝીટલ રૂપ આપવામાં આવેલ છે. આ કાર્ય માટે લેન્ડ રેવન્યુ કોડની જોગવાઇ હેઠળ પ્રમોલગેશન કરવામાં આવે છે. જેમાં ઘણી ભૂલો છે જે મુદે ન્યાય આપવા માંગણી થઇ છે.

આ આવેદનપત્રમાં કિરીટભાઇ દવે, મનુભાઇ ડાવરા, રાઘવજીભાઇ સાવલીયા, બાબુભાઇ પાટીદાર, લાલભાઇ મોર, નાસીર ચૌહાણ, મહેશ જયાણી, ઇકબાલ ગોરી, અશોક ખુમાણ, હિતેષ સરૈયા, હસુ બગડા, રમેશભાઇ જયાણી, અશ્વિનભાઇ ધામેલીયા વિગેરે તાલુકા-જીલ્લા પંચાયતના સદસ્ય નગરપાલિકાના સભ્ય અને કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહ્યા હતાં.(૨-૬)

(12:38 pm IST)