Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

વિસાવદરનાં રેલ્વે પ્રશ્નો અંગેની રજૂઆતનાં કવર રેલ્વે મંત્રીએ ન સ્વીકારતા કોંગ્રેસમાં રોષ

વિસાવદર તા. ૬ :.. વિસાવદરમાંથી પસાર થતી રેલ્વે ટ્રેઇન ચોમાસાના અને વરસાદના બહાના નીચે ટ્રેક ધોવાઇ ગયેલ હોવાનું જણાવી બંધ કરાતા વિસાવદરમાં આ ટ્રેનો જુના સમયે રાબેતા મુજબ ચાલુ કરવાની ખાત્રી અપયા બાદ અને ટ્રેક રીપેરીંગ થયા બાદ જુનાગઢમાં ડી. આર. એમ.ને ભાજપના હોદેદારો દ્વારા દબાણ લાવી અચોકકસ મુદત માટે જુનાગઢ - દેલવાડા, દેલવાડા-જુનાગઢની ટ્રેનો બંધ કરાતા ત્રણ જીલ્લામાં લાગુ પડતી આ ટ્રેનો સબંધે પ્રજામાં રોષ ફાટી નીકળ્યો છે. ગામે ગામ આંદોલનો ચાલુ થનાર છે ? ત્યારે આ સબંધે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબરડીયા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ નયન જોશી અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઇ કાનાભાઇ દ્વારા રેલ્વે મીનીસ્ટર નવી દિલ્હી તથા ચેરમેનશ્રી, રેલ્વે બોર્ડ, નવી દિલ્હીની આ સબંધે લેખીત રજૂઆતો કરી હતી.

રેલ્વે પ્રધાન તથા રેલ્વે બોર્ડના ચેરમેનને કરેલ લેખીત રજૂઆતના પેક કવરો બન્નેએ નહિ સ્વીકારતા પરત આવેલ છે આમ રેલ્વે પ્રજાના કોઇ પ્રશ્ન સાંભળવા તૈયાર નથી કે પ્રજાના પ્રતિનિધિની રજૂઆત પણ સ્વિીકારવા તૈયાર નથી. સાત દિવસમાં સમયમાં ફેરફાર કરવાની રજૂઆત સ્વીકારાઇ નથી અને રેલ્વેના એલ.આઇ.બી. પોલીસ આ રજૂઆત પાછી ખેંચાવવા દબાણ લાવી રહ્યા છે ? રેલ્વે પ્રશ્ને પ્રજાને રેલ્વેથી સંતોષ છે તેવા લખાણો પોલીસ એજન્સીનો સહારો લઇ રેલ્વેના બાબુઓ કરી રહ્યા છે...? તેવો રોષ લોકો ઠાલવે છે.

માત્ર જુનાગઢના ટ્રાફીકનો પ્રશ્ન આગળ ધરી રેલ્વેને રજૂઆત કરતા આગેવાનોએ ગ્રામ્ય પ્રજાનો વિચાર કરવો જોઇએ ગ્રામ્ય વિસ્તારની પ્રજાને પણ સંસદમાં મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત થયેલ છે.

અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરી વિસ્તારોમાં શું રેલ્વેનો ટ્રાફીક કે ટ્રાફીકને રેલ્વે નહિ નડતા હોય ત્યાં જેવી રીતે અન્ડર બ્રીજ બનાવી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે છે તે રીતે જુનાગઢમાં ન થઇ શકે. માત્ર રેલ્વે બંધ કરવાથી પ્રશ્ન સળગશે... અને ગામે ગામ રેલ્વેને રોકવાની અને રેલ્વે સામે ઉગ્ર આંદોલનની નોબત આવે તે પહેલા રેલ્વે  બાબુઓ સમજી જાય તેવી માંગ વિસાવદરના વિવિધ યુવક મંડળો, સંસ્થાઓ, વેપારીઓ તથા પ્રજાની છે. (પ-૧પ)

(12:36 pm IST)