Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારો દ્વારા રામધુનઃ યુવકો દ્વારા મુંડન

પાટીદાર અનામત અને ખેડૂતોના પ્રશ્ને સોૈરાષ્ટ્ર-કચ્છમાં''પાસ''ના કન્વિનરને સમર્થન

ભાવનગર : તસ્વીરમાં પાટીદારો દ્વારા મુંડન કરાવીને રોષ વ્યકત કર્યો હતો.(તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

રાજકોટ તા.૬: ''પાસ''ના કન્વિનર અને અનામત આંદોલનનાં પ્રણેતા હાર્દિક પટેલનાં ઉપવાસ આંદોલનને રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં જોરદાર સમર્થન મળી રહયું છે. અને કેન્દ્ર અને રાજય સરકાર સામે લોકો આક્રોશ ઠાલવી રહયા છે.

હાર્દિક પટેલનાં ઉપવાસ આંદોલનનાં સમર્થનમાં પ્રતિક ઉપવાસ, આવેદન, રામધુન સહિતના કાર્યક્રમો યોજાઇ રહયા છે.

આ ઉપરાંત પાટીદાર યુવકો દ્વારા મુંડન કરાવીને અનોખો વિરોધ વ્યકત કરવામાં આવી રહયો છે.

ભાવનગર

ભાવનગર : પાટીદાર સમાજને અનામતનો લાભ આપવાની માંગણી સાથે ઉપવાસ પર ઉતરેલ હાર્દિક પટેલના સમર્થનમાં બુધેલ ખાતે પાટીદાર યુવકોએ મો મુંડન કરાવ્યું હતું.

પાટીદાર આગેવાન નીતિનભાઇ ઘેલાણીએ બુધેલ ખાતેના તેના નિવાસ સ્થાાને હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ શરૂ કરવા સાથે મુંડન કરાવ્યું હતું.

આ પ્રસંગે લાભુભાઇ કાત્રોડિયા, સંજયસિંહ ગોહિલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પાટીદાર યુવકોએ સુત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતા. તથા નીતિનભાઇ ઘેલાણી સહિત પંાચ યુવકોએ મુંડન કરાવ્યું હતું.

આ અંગે નીતિનભાઇ ઘેલાણીએ માહિતી આપી હતી. પાટીદાર યુવકોના ઉપવાસ અને મુંડન કાર્યક્રમને લઇને ડી.વાય.એસ.પી. મનીષ ઠાકર સહિતના પોલીસ કાફલો બુધેલ દોડી ગયો હતો અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

હાર્દિક પટેલ પ્રેરિત ઉપવાસ આંદોલન અને મુંડન કાર્યક્રમને ક્ષત્રિય સમાજે પણ સમર્થન જાહેર કર્યું હતું.

ગોંડલ -દેરડી (કુંભાજી)

ગોંડલ : હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના ૧૨ દિવસ પુર્ણ થયા છે, ત્યારે ગોંડલના દેરડી (કુંભાજી) ગામે હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારો અને ખેડૂતો દ્વારા રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું. રામધુનમાં હાર્દિક પટેલના ૧૧ દિવસના પુર્ણ થયેલા ઉપવાસને લઇને ૧૧ ખેડૂતોએ મુંડન કરાવીને ભાજપ સરકારનું સુંવાળું કાઢયું હતું અને હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને ટેકો આપ્યો હતો. આ સાથે જ ખેડૂતોએ ભાજપ સરકારનો વિરોધ કરતા જય સરદાર, ખેડૂતોના દેવા માફ કરોના સુત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોને સરકાર દ્વારા મગફળીનો પાકવીમો ચુકવવામાં આવ્યો છે. પરંતુ કપાસનો પાકવીમો સરકાર દ્વારા હજુ સુધી ચુકવવામાં આવ્યો ન હોવાથી પાકવીમાની માંગ સાથે ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યકત કર્યોં હતો.

ગોંડલ

ગોંડલ શહેરના વર્ધમાનનગરમાં પાટીદાર મહિલાઓ દ્વારા ઉપવાસ ઉપર ઉતરેલા પાસના કન્વિનર હાર્દિક પટેલના સમર્થનમાં સુત્રોચ્ચાર કરી રોષ વ્યકત કરાતા પોલીસ દોડી ગઇ હતી અને મોૈલિક ગજેરા, મોહિલ ગજેરા, જતીન ગજેરા, રાજન રેૈયાણી, નિખિલ વાડોદરિયા તેમજ દર્શિલ વેકરિયાની અટક કરી પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા, જયારે મહિલાઓ દ્વારા રામધુન બોલાવી હાર્દિકના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી ભાજપ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરાયા હતા. છેલ્લા બે -ત્રણ દિવસથી આ વિસ્તારમાં પાટીદાર મહિલાઓ એકત્રિત થઇ સરકાર સામે રોષ ઠાલવી હાર્દિકના અનશનને સમર્થન આપી રહી છે.(૧.૫૮)

(12:33 pm IST)