Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

જામનગરની ભાનુશાળી યુવતિ ડિમ્પલનું મંગેતરના બાઇક પરથી પડી જતાં મોત

બંનેની સગાઇ નક્કી થઇ ચુકી હતીઃ રણુજા મંદિરે દર્શન કરવા જતી વેળાએ બનાવ

રાજકોટ તા. ૬: જામનગરની ભાનુશાળી યુવતિનું તેના થનારા મંગેતરના બાઇક પાછળથી પડી જતાં મોત નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. બંને રણુજા રામાપીરના મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હતાં ત્યારે બસની ઠોકરે બાઇક ચડી જતાં આ બનાવ બન્યો હતો.

જામનગર દિગ્વીજયપ્લોટ-૪૯માં રહેતી ડિમ્પલબેન ધરમશીભાઇ ભદરા (ઉ.૨૦)ની સગાઇ જામનગરના જ રાજેશ મુળજભાઇ જોઇશર સાથે નક્કી થઇ હતી. આ બંને તા. ૩/૯ના રોજ બાઇકમાં બેસી રણુજા મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં વિજરખી ગામ પાસે એક બસની ઠોકર લાગતાં બંને ફંગોળાઇ ગયા હતાં. જેમાં ડિમ્પલબેનને ગંભીર ઇજા થતાં જામનગર સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ. જેનું મોડી રાત્રે મોત નિપજતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે.

મૃત્યુ પામનાર ડિમ્પલબેન બે બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેના પિતા છુટક મજૂરી કરે છે. ગાંધીગ્રામ પોલીસે કાગળો કરી કાલાવડ તાલુકા પોલીસને જાણ કરી હતી. (૧૪.૧૩)

(12:33 pm IST)