Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

કેશોદ શહેરમાં રોગચાળાએ માથું ઊંચકયુ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૬: કેશોદ શહેરમાં વાતાવરણમાં પલટો આવતાં વરસાદ, ઉકળાટ અને ઠંડી નાં કારણે મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લેતાં કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાઇ રહી છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર પાણીના ખાબોચિયાં ભરાયાં છે ઉપરાંત ચોમાસાના વરસાદને લઈને ભુર્ગભ ગટર ઉભરાઈ જવાની સાથે લોકોનાં ઘરોમાં દુષિત પાણી ઘુસી રહ્યાં છે જેનાં કારણે લોકો તાવ શરદી ઉધરસ અને ઝાડાની બિમારીઓમાં સપડાઈ રહ્યા છે. કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં રોજીંદા ઓપીડી વધીને બમણી થઈ જતાં ચિંતાજનક બાબત છે ત્યારે જવાબદાર તંત્ર નિંદ્રામાં થી જાગી શહેરીજનો માટે આરોગ્યલક્ષી કામગીરી શરૃ કરશે નહીં તો આવનારાં દિવસોમાં ઘરે ઘરે માંદગીના ખાટલા હશે તો નવાઈ નહી. કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં આ સ્થિતિ છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં અને સંસ્થાઓ ની હોસ્પિટલમાં પણ બિમારીઓના આંકડા અધધધ્ છે. શ્રાવણ માસમાં તહેવારો ની હારમાળા શરૃ થવાની છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે ગંભીરતાપૂર્વક પગલાં ભરવામાં આવે તો સ્થિતિ સુધરી શકે તેમ છે.

(4:34 pm IST)