Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશની મુશ્કેલીઓ વધી : સાબરમતી જેલમાંથી વોરંટ મેળવી CBI બાદ EDએ કરી ધરપકડ

કોર્ટે કે.રાજેશના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા : કે.રાજેશ સામે લાગેલ ભ્રષ્ટાચારના વ્યાપક આરોપને લઈ હવે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાશે

સુરેન્દ્રનગર તા.05 : સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર અને IAS અધિકારી કે.રાજેશ સામે ભ્રષ્ટાચારના વ્યાપક આરોપ લાગેલા છે. થોડા મહિના પહેલા જ કે. રાજેશના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જે બાદ CBI દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. અને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ત્રણ દિવસનાં રિમાન્ડ સાથે સાબરમતી જેલમાં ખસેડયા હતા, જે બાદ હવે કે. રાજેશની EDએ ધરપકડ કરી છે.

CBIએ કે.રાજેશ સામે થોડા સમયની અંદર જ ચાર્જશીટ રજૂ કરી હતી, જેમા EDએ સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કે. રાજેશની ધરપકડ કરી છે. હવે કે. રાજેશને અમદાવાદમાં આવેલી મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે કે.રાજેશ સામે ભ્રષ્ટાચારના વ્યાપક આરોપ લાગેલા છે. થોડા મહિના પહેલા જ કે. રાજેશના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતમાં પણ કે. રાજેશનું કનેક્શન સામે આવ્યુ હતુ. જેમા સુરતથી તેમના વચેટિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ વચેટિયા મારફતે જ પૈસાની લેવડ દેવડ કરવામાં આવતી હોવાનુ પણ ખૂલ્યુ હતુ.

કે રાજેશ સામે સરકારી જમીન ગેરકાયદે લાભાર્થીઓને નામે ટ્રાન્સફર કરી આપવાના, સરકારી જમીન પર દબાણ કરનારાઓને નામે જમીન કરી આપવા અને આ દસ્તાવેજ નામે કરાવવામાં મોટી રકમ વસુલવાના તેમજ વન વિસ્તારની અનામત જમીન વન વિભાગની જાણ કે મંજૂરી વિના જ ભાડે આપી દેવા માટે લાંચ લેવાના પણ આરોપ છે. કે રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર રહેતા 271થી વધુ આર્મ્સ લાઈસન્સ ઈશ્યુ કર્યા હોવાનુ તપાસમાં બહાર આવ્યુ છે. તેમાથી 39 લાઈસન્સ લેનારાઓના રિવ્યુ સારા ન હોવા છતા, નેગેટિવ રિપોર્ટ હોવા છતા લાઈસન્સ આપી દેવાનો પણ આરોપ છે.

(10:51 pm IST)