Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

પવન મંદ પડતા આખરે ૧૦ દિવસ બાદ ગિરનાર રોપ-વે પુનઃ શરૂ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૬ : પવન મંદ પડતા આખરે ૧૦ દિવસ બાદ આજે સવારથી ગિરનાર રોપ-વે જુનાગઢ પુનઃ શરૂ થતાં પ્રવાસીઓએ રાહત અનુભવી હતી.

પવનના કારણે ગત તા. ૨૭ જુલાઇથી ગિરનાર રોપ-વે બંધ રાખવાની ફરજ પડી હતી. સતત ૧૦ દિવસ ઉડનખટોલા બંધ રહેતા કંપનીને મોટી આવક ગુમાવવી પડી હતી તેમજ પ્રવાસીઓને પરેશાન થવું પડયું હતું.

પરંતુ આજે સવારે પવન મંદ પડતા ગિરનાર રોપ-વેની સેવા રાબેતા મુજબની કરવામાં આવી હતી.

ઉષા બ્રેકો કંપનીના રિજયોનલ હેડ દિપક કપલીસે સવારે અકિલા સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે, સવારથી ગિરનાર રોપ-વે પુનઃ શરૂ કરાયેલ છે. ગઇકાલ બપોર સુધી પવનની ગતિ ૭૨ કિમીની હતી અને આજે સવારે પવનની ઝડપ ઘટીને ૩૨ કિમીની થતા ટેસ્ટીંગ કરીને રોપ-વે શરૂ કરવામાં આવેલ છે.

તેમણે વધુમાં જણાવેલ કે, સવારે પ્રથમ ટ્રીપમાં ૩૦૦થી વધારે પ્રવાસીઓએ રોપ-વેની સફર માણી ગિરનાર અંબાજી માતાજીના દર્શન કર્યા હતા.

(12:56 pm IST)