Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ઉનાના નવાબંદરના લઘુમતિ સમાજના વિસ્તારમાં વિકાસ કામોમાં અને દબાણ હટાવમાં ભેદભાવની ફરિયાદો

મુસ્લિમ આગેવાનો દ્વારા પ્રાંત અધિકારી હસ્તક મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલીને રજૂઆત

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૬ :. તાલુકાના નવાબંદર ગામે લઘુમતિ સમાજના વિસ્તારમાં વિકાસ કામો અને દબાણ હટાવમાં ભેદભાવ ભરી નીતિની ફરીયાદ સાથેનું મુખ્યમંત્રીને આવેદનપત્ર પ્રાંત અધિકારી હસ્તક મુસ્લિમ આગેવાન હાજી જબ્બારભાઈની આગેવાની હેઠળ મોકલી આપ્યુ હતું.

નવાબંદર ગામના મુસ્લિમ સમાજના આગેવાન હાજી જબ્બાર હાજી મુસા સોઢા તથા લઘુમતિ સમાજના આગેવાનોએ સહી કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લખેલ આવેદનપત્ર આજે ઉના પ્રાંત કચેરીએ જઈ પ્રાંત કચેરીના અધિકારીને આપી લેખીતમાં જણાવેલ છે કે હાલ નવાબંદર ગ્રામ પંચાયતમાં મનસ્વી રીતે વહીવટને લીધે મુસ્લિમ સમાજમાં નાણાપંચમાંથી પંચાયતમાં જે ગ્રાન્ટ આવે છે તેમાંથી ૫ ટકા પણ કામ કરતા નથી. હાલ લઘુમતિ સમાજના રફીક ઓસુજામના ઘરની પાસે બે મહિનાથી ગટર માટે ઉંડો ખાડો બનાવેલ છે તેની ઉપર નબળો સ્લેબ ભરેલ હોય અત્યારથી તીરાડો પડી ગઈ છે. ગટરનું કામ પુરૂ કરવા મકાનમાં આવવા-જવા વ્યવસ્થા કરવા માંગણી છે.

ગામમાં નવી ગ્રામ પંચાયતની કચેરી બનેલ છે. જૂની ગ્રામ પંચાયત મકાનનો ઈમલો જેમા સાગના લાકડાની બારી-બારણા, પેઢીયા, ભારોટ, બેલા કલેકટર કે ડેપ્યુટી કલેકટરની મંંજુરી વગર જેસીબીથી પાડી તેની તપાસ કરવા રજૂઆતમાં જણાવેલ છે.

નવાબંદર ગામમાં દબાણ હટાવવાની ૨ ટકા કામગીરી કરી છે. બાકીનું દબાણ હટાવેલ નથી. નવાબંદર નવી જેટી બનાવવાના પ્લાનમાં સરકારે ૨૮૫ કરોડનું ભંડોળ ફાળવેલ છે. તેમા બે જગ્યા ભાડે લઈ ૪ લાખ આપેલ બાકીના ૫૦ વિઘા જમીન ગૌચરણ હતી તેમા તાર લગાવી દેતા પશુધન અંદર જઈ શકતુ નથી અને ઉંચી રકમમાં ભાડે આપેલ હોય આ અંગે તપાસ કરવા રજૂઆતમાં જણાવેલ છે.

(11:13 am IST)