Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

મોરબી-જામનગરમાંથી બે વર્ષમાં ૧૪ છકડો રીક્ષા અને પેસેન્જર રીક્ષા ચોરી કરનાર ગેંગ ઝડપાઇ

ત્રણ શખ્સોને ઝડપી પોલીસે ૧૨ ચોરીના ભેદ ઉકેલ્યા

મોરબી,તા.૬: મોરબી અને જામનગર જીલ્લામાં છેલ્લા બે વર્ષથી તરખાટ મચાવતી વાહનચોર ગેંગને ઝડપી લેવામાં મોરબી પોલીસની ટીમને સફળતા મળી છે બે વર્ષમાં છકડો રીક્ષા અને પેસેન્જર રીક્ષા સહીત ૧૪ વાહનો ચોરી કરનાર ગેંગના ત્રણ ઇસમોને ઝડપી લઈને ૧૧ છકડો રીક્ષા, એક રીક્ષા, બે મોપેડ સહિતનો મુદામાલ કબજે લીધો છે.

મોરબી જીલ્લા પોલીસવડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલની ટીમ વાહનચોરી કરતી ગેંગને ઝડપી લેવા તપાસ ચલાવતી હોય જેમાં એલસીબી ટીમના નિર્મળસિંહ જાડેજા, આસિફભાઈ ચાણકયા અને ભરતભાઈ જીલરીયાને બાતમી મળી હતી કે વાહન ચોરી કરનાર ગેંગના આરોપી જગદીશ ઉર્ફે જગા સામત પરમાર, અનીલ ઉર્ફે ઠુંઠો સામત પરમાર અને વિક્રમ રામજી પરમાર એ ત્રણેય ઈસમો મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ સામેથી પસાર થવાના હોય જેથી વોચ ગોઠવી હતી અને ત્રણેય ઈસમો છકડો રીક્ષા લઇ પસાર થતા આરોપીને ઝડપી લઈને સદ્યન પૂછપરછ કરતા ત્રણેય ઇસમોએ છેલ્લા અઢી વર્ષ દરમિયાન મોરબી શહેર અને જામનગર શહેરમાંથી છકડો રીક્ષા, મોપેડ સહીત કુલ ૧૪ વાહનોની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

જેને પગલે એલસીબી ટીમે આરોપી જગદીશ ઉર્ફે જગા સામત પરમાર (ઉ.વ.૨૨), અનીલ ઉર્ફે ઠુંઠો સામત પરમાર (ઉ.વ.૩૦) અને વિક્રમ રામજી પરમાર (ઉ.વ.૪૦) રહે ત્રણેય મૂળ જામ ખંભાળિયા હાલ રાજકોટ જામનગર રોડ દ્યંટેશ્વર એસઆરપી કેમ્પના પાટિયા પાસે ઝુપડામાં એ ત્રણ ઇસમોને ઝડપી લઈને આરોપી પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ ૧૧ છકડો રીક્ષા,૧ પેસેન્જર રીક્ષા અને ટીવીએસ તેમજ બજાજના ૨ મોપેડ સહીત કુલ ૧૪ વાહનો રીકવર કરવામાં આવ્યા છે અને મોરબી તેમજ જામનગર જીલ્લામાંથી થયેલ કુલ ૧૨ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.(

(11:54 am IST)