Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ઉપલેટાના કોલકી ગામે ગતરાત્રીના વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ : બંધ મકાન પર વીજળી પડી

ઉપલેટા,તા.૬ : તાલુકામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો હોય જેમાં ઉપલેટા તાલુકાના કોલકી ગામે ગતરાત્રિના ભારે વરસાદના પગલે વીજળીના કડાકા-ભડાકા થઈ રહ્યા હતા એ દરમિયાન કોલકી ગામના પટેલ હરિભાઈ મોહનભાઈ જાવિયાના મકાન પર વીજળી ત્રાટકી હતી.

જેને લઇને મકાનની ઉપરના પારાપેટ વગેરેને નુકસાન પહોંચ્યું હતું. પરંતુ સદનસીબે મકાન બંધ હોવાથી કોઈ જાનહાની થઈ નથી. મકાનમાલિક હાલ રાજકોટ રહેતા હોય તેમના દીકરા રાજકોટ ધંધો કરતા હોય થોડા દિવસ કોલકી તો થોડા દિવસ રાજકોટ એવી રીતે આવન-જાવન કરતા હોય છે.

હાલ તેઓ રાજકોટ હોવાથી કોઈ જાનહાની થઈ નથી. નુકસાન કેટલું થયું છે એ તો મકાનમાલિક આવ્યા બાદ જાણવા મળશે. હાલ બહારનો ભાગ દીવાલની અગાસીની પારાપેટ તૂટી ગઈ છે અને તિરાડ પડી ગઈ છે એવું બહારથી જણાઈ રહ્યું છે. અગાસીના સ્લેબ માં તિરાડો પડી છે કે કેમ એ મકાન ખુલ્યા બાદ સાચી હકીકત જાણવા મળશે. છેલ્લા બે દિવસથી ઉપલેટા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

(11:46 am IST)