Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

દ્વારકા-દેવરિયા હાઇવે જમીન સંપાદનમાં સરકારની અન્યાયી બેધારી નીતિ!!

સરકારી ખરાબા ૬૬૬૩ રૂપિયે મીટર ખેડૂતની ફળરૂપ જમીન ૩૪ રૂ. મીટર!!

ખંભાળીયા તા.૬ :.. દ્વારકા દેવરિયા નેશનલ હાઇવેના સરકાર દ્વારા જમીન સંપાદનમાં ખેડૂતોને વ્યાપક અન્યાય કરતી શોષણ નીતિ બહાર આવી છે જે બાબતે  કિશાન કોંગ્રેસના પ્રમુખ પાળભાઇ આંબળીયાએ જિલ્લા કલેકટરને આવેદન આપી રજૂઆત કરી છે.

શોષણની નીતિ કેવી છે તે જાણવા જેવું છે. પાળભાઇ આંબલિયાએ જણાવ્યા મુજબ સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં ૮૧ ખરાબા વેચ્વા જેના ભાવ પ્રતિ મીટર ૬૬૬૩.૬૭ રૂ. લેવાયા છે અને ખેડૂતોની ફળદ્રપ જમીન માત્ર ૩૪ રૂ. મીટર લેવાની છે....!!

સરકારે અંતરિયાળ ગામડા જયાં કંઇ જ નજીક નથી ત્યાં ૪૭ર.૬૪ રૂ. વસુલ્યા છે. ધોરી માર્ગ પર આવતા ગામડાઓમાં પ૬૬૭ રૂ. પ્રતિ ચોરસ મીટર વસૂલયા છે. નગરપાલિકા વિસ્તારમાં પ્રતિ ચોરસ મીટર ના ભાવ ૧૪૧પ૪.૬૧ રૂ. લેખે વેચાણ કર્યુ છે. જયારે ખેડૂતોની ફળદ્રુપ જમીનના રૂ. ૩૪ જ દેવાના છે.....!!

અન્યાય ઉઘાડો છે....!!

સરકારની અન્યાયી નીતિ કેવી છે કે સરકારે કુહાડીયા ગામ પાસે નેશનલ હાઇવે ટચ જમીન જેટકોને ૩૪૧૩ રૂ. પ્રતિ મીટર લઇને જમીન વેચી છે જયારે તેની બાજુમાં અડીને આવેલા  ખેડૂતની જમીનનો ભાવ ૩૪  રૂ. લેખે આપીને સરકાર જમીન સંપાદન કરવા માગે છે. ૧૦૦ ગણો ભાવ તફાવત!! છેલ્લા ત્રણ વર્ષમાં સરકારે વેચેલા ૯૧ ખારાબાઓમાં પ્રતિ ચો. મી. ઓછામાં ઓછા ૯૦ અને વધુમાં વધુ ૩૭૦૦૦ લેખે વેચાણ કર્યુ છે. જેનો સરેરાશ ભાવ ૬૬૬૩.૬૭ થાય છે. તો સરકાર ખેડૂતોની ફળદ્રુપ જમીનમાં કેમ ખરીદીમાં અન્યાય કરે છે....!!

કિશાન કોંગ્રેસના પાળભાઇએ રાજયના મુખ્યમંત્રી, વિપક્ષી નેતા, જમીન સંપાદન અધિકારી, નેશનલ હાઇવે ઓથોરીટી તથા પ્રાંત અધિકારી તથા જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.

(11:34 am IST)