Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

કચ્છ : લોહાણા પરિવારમાં આતંક : ભત્રીજા પછી કાકાનું મોત

કોરોનાનો હાહાકારઃ કંડલા પોર્ટના વધુ ૨ કર્મચારીને કોરોના વળગ્યો : અંજાર બન્યું હોટસ્પોટ : વધુ ૧૫ સાથે નવા ૨૭ કેસ

ભુજ,તા.૬: કચ્છમાં કોરોનાનો આકરો ડંખ વરતાઈ રહ્યો છે. કોરોનાએ વધુ બે માનવ જિંદગીનો ભોગ લેતાં કચ્છમાં કોરોનાના ખપ્પરમાં અત્યાર સુધીમાં ૩૧ જણા હોમાઈ ગયા છે. સુખપર (ભુજ) ના ૭૫ વર્ષીય વિશ્રામભાઇ રાબડીયાનુંઙ્ગ અને ઘડુલી (લખપત)ના ૫૯ વર્ષીય શામજીભાઈ નારાણ પટેલનું મોત નીપજયું હતું.

કચ્છમાં આજે એક જ દિવસમાં ૨૭ કેસનો બ્લાસ્ટ થયો છે. જેમાં હોટસ્પોટ બનેલા અંજાર પંથકમાં એક સાથે ૧૫ કેસ અને ગાંધીધામ ૭ કેસ નોંધાયા છે. તો, ભુજ ૨, રાપર ૨ અને માંડવીમાં ૧ કેસ નોંધાયો છે.

કોરોનાના ફફડાટ વચ્ચે તંત્ર દ્વારા માહિતી આપવામાં દરરોજ ઢીલ વરતાઈ રહી છે. કોરોનાના દર્દીઓના બપોરે નિપજેલ મોત પછી છેક રાત્રે ૯ વાગ્યે યાદી જાહેર કરાઈ હતી. તો, રાબેતા મુજબ રાજય સરકારની યાદી બાદ પણ મોડે મોડે કચ્છના કેસની યાદી જાહેર કરાઇ હતી.

કોરોનાના ખપ્પરમાં રાપરમાં તમાકુ અને ચા ના વ્યાપાર સાથે સંકળાયેલા રામાણી પરિવારમાં બીજી માનવ જિંદગીનો ભોગ લીધો હતો. રાપરના ૪૦ વર્ષીયઙ્ગ પુષ્પએન્દ્ર રમેશ રામાણી (ઠક્કર)નું કોરોનાથી મોત નિપજયા બાદ તેના પિતા અને કાકા સંક્રમિત થયા હતા. જે પૈકી કાકા કીર્તિભાઈ કાંતિલાલ રામાણી (ઠકકર) નું કોરોનાની સારવાર દરમ્યાન ગઈકાલે અમદાવાદમાં મોત નીપજયું છે. જયારે પુષ્પએન્દ્રના પિતા રમેશભાઈ કોરોનાની સારવાર હેઠળ છે. કંડલા પોર્ટની એઓ ઓફિસમાં ફરજ બજાવતા નીરજ મહેન્દ્ર અડવાણી અને અનિલ બાલકૃષ્ણ પિલ્લઈનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કંડલા પોર્ટના કર્મીઓમાં કોરોનાનો ફફડાટ જારી રહ્યો છે.

(2:47 pm IST)