Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ઉપલેટા નજીક વેણુ-૨ ડેમમાં ન્હાવા પડતા યુવકનું મોત : ૨ નો બચાવ

ઉપલેટા,તા.૬ : ઉપલેટા તાલુકાના ગધેથડ ગામના વેણુ ગંગા ગાયત્રી આશ્રમ પાસે આવેલ વેણુ - ૨ ડેમ પર નહાવા માટે પ્રતિબંધિત હોવા છતા અમુક યુવકો નહાવા માટે જાય છે. અમુક લોકો તો એવા પણ હોય છે કે જેને પાણીમાં તરતા પણ ન આવડતું હોય એવા યુવકો પણ બીજા યુવકો સાથે બેદરકારીથી જોડાઈ છે અને મૃત્યુને નોતરે છે. આવો જ બનાવ એક ઉપલેટા શહેરના ત્રણ યુવકો વેણુ -૨ ડેમ પર ફરવા ગયા હતા ત્યા એ લોકોની પાણી જોઈને નહાવાની ઇચ્છા થતા ત્રણેય યુવકો ડેમના થારા પર નાહવા પડ્યા હતા જેમાં એક યુવકને તરતા પણ આવડતુ ન હતુ.જેને લઇને ઉપલેટા પોલીસ સ્ટેશન પાસે આવેલ આશાપુરા સોસાયટીમાં રહેતા જયેશ માલદેભાઈ કનારા નામના ૨૫ વર્ષીય યુવકનુ ડૂબી જતા મોત નીપજયુ હતુ. તંત્રના અધિકારીઓને જાણ કરતાં નગરપાલિકા ફાયર બ્રિગેડ, ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ તરવૈયાઓની ટીમ દ્યટના સ્થળે પહોંચી ગઈ હતી. બે કલાકની જહેમત બાદ આ યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો.

યુવકના મૃતદેહને ૧૦૮ મારફત ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તહેવારના સમયે બનેલા આ દુઃખદ બનાવથી મૃતકના પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ખાસ બાબત એ કે ડેમ સાઈટ પર રખેવાળ મૂકવામા આવે છે પરંતુ અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે સ્વચ્છ પાણી જોઈને નહાવાની લાલચમા પાણીમા પડતા હોય છે જેથી કરીને આવા દુઃખદ બનાવ બને છે. અગાઉ પણ ઘણા બનાવો બનેલા છે. તંત્ર દ્વારા ખાસ બોધપાઠ લઈને જવાબદાર રખેવાળ મૂકવામાં આવે તો આવી જાનહાની થતા અટકે એવી લોકોની લાગણી સાથે માગણી છે.

(11:19 am IST)