Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

બીજાના સારા કાર્યોને બિરદાવી એનો ફેલાવો કરો, સમાજને પ્રેરણા મળશેઃ જ્ઞાનજીવન સ્વામી

બોટાદમાં સત્સંગ સંમેલન સંપન્ન, આવતા રવિવારે ખંભાતમાં

બોટાદમાં ગયા રવિવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર દ્વારા યોજાયેલ સત્સંગ સંમેલનમાં શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ જ્ઞાનાંણા વહેગાવી હતી. સત્સંગો સંતો, હરિભકતો, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા.૬: આગામી નવેમ્બર તા.૬ થી ૧૨ દરમ્યાન ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલ ખાતે યોજાનાર ભવ્ય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર દ્વારા બોટાદ ખાતે વિરાટ સત્સંગ સંમેલન યોજાયું. શ્રીસ્વામિનારાયણ ભગવાન ઉદ્બોધિત વચનામૃત ગ્રંથને ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ ખાતે તા.૬ થી ૧૨ નવેમ્બર દરમ્યાન ભવ્યાતિભવ્ય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે. તેના ઉપક્રમે બોટાદ ખાતે તા.૪-૮-૨૦૧૯, રવિવારના રોજ વિરાટ સત્સંગ સંમેલનનો ભવ્ય સત્સંગ સમારોહ યોજાયો હતો.

સત્સંગ લાભ આપતા કુંડળવાળા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, 'બીજા લોકો જે સારા સારા કાર્યો કરે તેને બિરદાવીએ તો તેના સારા કાર્યોનું જે ફળ થય તેમાંથી બિરદાવનારને પણ ફળ પ્રાપ્ત થાય છે. આજના જમાનામાં દરેક વ્યકિત પત્રકારની ભૂમિકા ભજવે એવી ટેકનોલોજી આવી છે તો પછી દુનિયામાં જે જે સારા કાર્યો થાય તેને બિરદાવો અને ખૂબ ફેલાવો. જેનાથી સમાજના લોકો સારા કાર્યો કરવા પ્રેરાશે. અને તેના ફળભાગી આપણે પણ બનીશું.

મહોત્સવના ઉપક્રમે વડતાલ મંદિર દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ મંદિરો તેમજ સત્સંગ કેન્દ્રોમાં દર રવિવારે વિરાટ સત્સંગ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે શ્રીકષ્ટભંજન દેવ સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારીશ્રી હરિપ્રકાશદાસજી સ્વામી તથા વિવેકસાગરદાસજી સ્વામી અથાણાવાળાના આયોજનતળે બોટાદ ખાતે સત્સંગ સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ગઢપુર પ્રદેશના વરિષ્ઠ સંતો પધાર્યા હતા. અને ભકતોને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. તથા બોટાદ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવને લક્ષમાં રાખી મ્યુઝીકલ આમંત્રણ પત્રિકાની સીરીઝ અંતર્ગત ચોથી મ્યુઝીકલ આમંત્રણ પત્રિકાનું વિમોચન ઉપસ્થિત વરિષ્ઠ સંતો તથા મહાનુભાવોના હસ્તે ભવ્યતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ વડતાલ પીઠાધીપતિ આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજે ફોન દ્વારા ઉપસ્થિત તમામ ભકતોને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.

હવે પછીના રવિવારે તા.૧૧-૮ના રોજ આણંદના ખંભાત મુકામે વિરાટ સત્સંગ સંમેલન યોજાશે. જેમાં મ્યુઝીકલ આમંત્રણ પત્રિકા નં.૫નું વિમોચન કરવામાં આવશે. તેમ અલોકિકદાસજી સ્વામી જણાવે છે.

(11:47 am IST)