Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

મહેર સમાજ સામે અભદ્ર ટીપ્પણી કરનાર પોરબંદરના હેડ કોન્સ્ટેબલની જુનાગઢમાં બદલી

જુનાગઢ ડીઆઇજીને મહેર સમાજ દ્વારા રજૂઆત બાદ આપેલી ખાતરીનો તુરંત અમલ

 ગોસા ઘેડ, તા. ૬ : સમસ્ત મહેર સમાજની લાગણી દુભાવીને સોશ્યલ મીડિયા ઉપર ઓડીયો વાઇરલ કરીને અભદ્ર ટીપ્પણી કરનાર પોરબંદરના પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશ મેવાડાની જુનાગઢમાં બદલી કરવામાં આવી છે.

અભદ્ર ટીપ્પણી કરનાર હેડ કોન્સ્ટેબલ સામે મહેર સમાજમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને હેડ કોન્સ્ટેબલ સામે પગલા લેવા મહેર સમાજના વિવિધ સંગઠનો જ્ઞાતિ આગેવાનો દ્વારા ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો થઇ હતી.

તાજેતરમાં જુનાગઢના ડીઆઇજીશ્રી સુભાષભાઇ ત્રિવેદી સમક્ષ મહેર શકિત સેના, મહેર હિત રક્ષક સમિતિ તથા ઘેડ સામાજિક વિકાસ સમિતિ સહિત સંસ્થાઓ દ્વારા રજુઆત બાદ ડીઆઇજીશ્રીએ આપેલી ખાતરી બાદ તુરંત હેડ કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી હતી.  પોરબંદર પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહેલે હેડ કોન્સ્ટેબલને જૂનાગઢ પોલીસ અધિક્ષકની કચેરીમાં બદલીનો ઓર્ડર કરી દીધેલ હતો.

પોલીસમેન વિરૂદ્ધ મહેર શકિત સેના, મહેર હિત રક્ષક સમિતિ, કુતિયાણા તાલુકા ભાજપ પ્રમુખ વિનુભા અર્જુનભાઇ ડાંગર, જામનગર મહેર સમાજ, ઘેડ સામાજિક વિકાસ સમિતિ, પોરબંદર ભાજપ બક્ષી પંચ મોરચો, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના કારોબારી સદસ્ય જગદીશ એમ. બાપોદરા (જુનાગઢ)એ  તેમજ જિલ્લા પોરબંદર કોંગ્રેસના સંગઠન મંત્રી કાળુભાઇ ગોઢાણીયા, સમાજના રાજકીય પક્ષના હોદેદારો તેમજ  સમસ્ત મહેર સમાજે રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી, ગૃહમંત્રી ગુજરાત રાજય, ડી.જી.પી. ગુજરાત રાજય તેમજ ડી.આઇ.જી. જૂનાગઢને આવેદન પત્રો પાઠવ્યા હતાં.

(3:49 pm IST)