Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

૧૮૦૦ વર્ષ જુની ખંભાલીડા બૌધ્ધ ગુફામાં માનવસર્જીત પ્રદુષણઃ ગમે ત્યારે અમુક ભાગ તુટી પડવાનો ભય

લોકો ન્યુસન્સ વેળા કરતા હોવાની-ભયાનક ગંદકી કરતા હોવાની ઉપસતી વિગતોઃ સરકારના ૧૦ કરોડ હાલ પાણીમાં : આર એન્ડ બીના અધિકારીએ એડી. કલેકટરનું ધ્યાન દોર્યુઃ એડી. કલેકટર દ્વારા સંબંધીઓને સુચના

રાજકોટ, તા., ૬: રાજકોટ-ગોંડલ હાઇવે ઉપર વીરપુર નજીક આવેલી ઐતિહાસિક અને રાજય સરકારે તથા પુરાતત્વ ખાતાએ જેને રક્ષીત જાહેર કરી છે તથા સરકારના પ્રવાસન વિભાગે રાજકોટ કલેકટર તંત્રના સહકારથી ૧૦ કરોડ જેવો તોતીંગ ખર્ચ જેના વિકાસ કામ પાછળ કર્યો છે તે ૧૮૦૦ વર્ષ જુની અને રાજયમાં નંબર વનનું સ્થાન ધરાવતી ખંભાલીડા બૌધ્ધ ગુફા સાવ જર્જરીત થયાની અને આ ગુફાને ટકાવી રાખવી હોય તો કવર કરવી જરૂરી હોવાનું આજે ખુદ આર એન્ડ બીના જ અધિકારીઓએ બપોરે એડી. કલેકટર શ્રી પરીમલ પંડયાનું ધ્યાન દોરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

અધિકારીઓએ એડી. કલેકટરને વિસ્તૃત વિગતો આપતા શ્રી પંડયા ચોંકી ઉઠયા હતા અને તેમણે તાકીદે આ બૌધ્ધ ગુફા અંગે યોગ્ય કરવા જતન કરવા અંગેની કાર્યવાહી શરૂ કરી દેવા અને પ્રદુષણ ફેલાવતા ન્યુસન્સવેળા કરતા પ્રવાસીઓ-લોકોને પકડી હાંકી કાઢવા લાગતા-વળગતા-સંબંધીત અધિકારીઓને સુચના આપી હતી.

આર એન્ડ બી.ના અધિકારીઓએ ચોખ્ખુ કહયું હતું કે આ ગુફાની આયુષ્ય પુરી થઇ ગઇ છે. ગમે ત્યારે તુટી પડે તેવા હાલ છે. ગત તા. રપ મીએ ગુફાનો એક ભાગ તુટી પડયો હતો. આ ઉપરાંત ત્યાં આવતા લોકો ગંદકી-કચરો ફેલાવી રહયા છે. તદઉપરાંતનું ન્યુસન્સ ફેલાવે છે. આથી ગુફાને કવર કરવી જરૂરી બની ગયું છે. અત્રે એ નોંધનીય છે કે, ગુફાનો એક ભાગ રપ મીએ તુટી પડયા બાદ પણ પ્રવાસન વિભાગ-કલેકટર તંત્ર કે પુરાતત્વ ખાતાની આંખ ઉઘડી નથી, કોઇ પગલા લીધા જ નથી. સરકારે આ ગુફા પાછળ કરેલો તોતીંગ ૧૦ કરોડનો ખર્ચ પાણીમાં ગયો તેવું ફલીત થઇ રહયું છે.

(3:49 pm IST)