Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ધારી ગીર પંથકમાં સિંહણનું ઝેરી વાઇરસના કારણે મૃત્યું

વન વિભાગ-ફોરેસ્ટના અધિકારીઓમાં ભાગદોડ : મિતિયાળા અભયારણ્યમાંથી પણ અન્ય સિંહણનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળતા ચકચાર : તપાસનો ધમધમાટ

અમદાવાદ, તા.૫ : ગીર પંથકમાં સિંહ સહિતના અન્ય વન્ય પ્રાણીઓ અને જીવોની મોતની ઘટના અવારનવાર સામે આવ્યા કરે છે પરંતુ સરકારી તંત્ર કે ફોરેસ્ટ વિભાગ દ્વારા આ અંગે કોઇ જ અસરકારક કે નક્કર પગલા ભરાતા નહી હોવાની નારાજગી વાઇલ્ડલાઇફ પ્રેમીઓમાં ઉઠવા પામી છે. અમરેલીના ધારીના ગીર હડાલા રેન્જમાં એક સિંહણનું ઝેરી વાઇરસથી મોત નીપજવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, વનવિભાગ અને ફોરેસ્ટના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. તો બીજીબાજુ, મિતિયાળા અભયારણ્યામાંથી પણ એક સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં તંત્રએ ઝીણવટભરી તપાસ આરંભી છે. જો કે, બંને સિંહણના મોતને લઇ પીએમ અને એફએસએલની મદદ લેવાઇ રહી છે કે જેથી સાચુ કારણ જાણી શકાય. અગાઉ પણ ત્રણ દિવસ પહેલા આ પંથકમાં ૩ દિપડાના બચ્ચાના મોત થયા હોવાની ઘટના આવતાં વાઇલ્ડલાઇફ પ્રેમીઓમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, ત્યારે આજે બે સિંહણોના મોતની ઘટના સામે આવતાં ફરી એકવાર ભારે ચકચાર મચી ગઇ છે. અમરેલીના ધારી ખાતે ગીર હડાલા રેન્જમાં ૯ વર્ષની સિંહણનું ઝેરી વાઇરસથી મોત થયુ છે અને મિતિયાળા અભયારણ્યમાં ૧૫ વર્ષની સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જૂનાગઢ સી.સી.એફ દ્વારા બંને સિંહણોના મોતની પુષ્ટી કરવામાં આવી રહી છે. હાલ વન વિભાગ ઘટના સ્થળે પહોંચી બંને સિંહણોના મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે ખસેડવામાં આવી છે. જો કે, બંને સિંહણોના મોતને લઇ રહસ્યના તાણાવાણાં સર્જાયા છે., તેને લઇ આ મામલે એફએસએલ અને નિષ્ણાતોની મદદ લેવાઇ રહી છે. કયા ઝેરી વાઇરસની અસરથી સિંહણનું મૃત્યુ થયું અને બીજી સિંહણનું મોત કેવી રીતે થયું, તેની હત્યા છે કે કોઇએ શિકાર કરી ફેકીં દીધી છે તે સહિતના પ્રશ્નોના જવાબ મેળવવા વનવિભાગના અધિકારીઓ સહિત તંત્ર કામે લાગી ગયું છે.

(9:46 am IST)