Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

રાણાવાવ અને કુતિયાણામાં ૪-૪ ઇંચઃ પોરબંદરમાં સવા બે ઇંચ

ખંભાળા જળાશયમાં ર ફુટ તથા ફોદાળા જળાશયમાં ૭ ઇંચ નવા પાણીની આવકઃ એમ. જી. રોડ ઉપર ખાદી ભંડાર પાસે પાણી ભરાવવાનો કાયમી પ્રશ્નઃ દરિયાના પાણીમાં ચોમાસાનો કરન્‍ટ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૬ :.. જિલ્લામાં ગઇકાલે બપોર પછીથી સમયાંતરે વરસાદ વરસવાનું ચાલુ રહેતા આજે સવાર સુધીમાં રાણાવાવ અને કુતીયાણામાં ૪-૪ ઇંચ અને પોરબંદરમાં સવા બે ઇંચ નોંધાયો છે. ખંભાળા જળાશય વિસ્‍તારમાં સવા બે ઇંચ વરસાદ ર૪ કલાકમાં પડતા ખંભાળા જળાશયમાં ર ફુટ નવુ પાણી આવ્‍યું છે. આ ડેમની સપાટી ર૬ ફુટ પહોંચી છે. ફોદાળા જળાશય વિસ્‍તારમાં દોઢ ઇંચ વરસાદ વરસતા ફોદાળા જળાશયમાં ૭ ઇંચ નવું પાણી આવતા હાલ આ ડેમની કુલ સપાટી ર૩ ફુટ પહોંચી છે.
જિલ્લા કંટ્રોલ મુજબ આજે સવારે પુરા થતાં છેલ્લા ર૪ કલાક સુધીમાં પોરબંદર વરસાદ ૬૧ મી. મી. (૧૬૩ મી.મી.) રાણાવાવ ૧૦૪ મી. મી. (ર૮૩ મી.મી.), કુતિયાણા ૯૧ મી. મી. (ર૪૯ મી.મી.) નોંધાયો છે. એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૬૭.૮ મી. મી. નોંધાયો છે.
પોરબંદર જિલ્લામાં કાચા સોના સમાન ધીમીધારે શાંતિપૂર્ણ વરસાદ વરસી જાય છે. પોરબંદર શહેરમાં આજે સવારે વાદળિયુ વાતાવરણ  છે. દરિયાના પાણીમાં ચોમાસાનો કરંટ જોવા મળે છે.
ઇન્‍દ્રેશ્વર મંદિર દરિયાકાંઠે મોજા ઉછળાને  ભેખડ સાથે અથડાયાં બાદ મોજાની છાંટ ઇન્‍દ્રેશ્વર મંદિરની ધજાને ભીંજવી નાખે છે.
દરિયાકાંઠે બ્રેકવોલ દિવાલને પણ જોરદાર મોજા ઓળગી જાય છે. પોરબંદરમાં નીચાણવાળા વિસ્‍તાર અને એમ.જી. રોડ ઉપર ખાદી ભંડાર પાસે વરસાદના પાણી ભરાયેલા છે અને નિકાલ થતો નથી. ખાદી ભંડાર અને રાણીબાગ પાસે વરસાદના પાણી ભરાવવાનો કાયમી પ્રશ્‍ન છે.
ગુરૂતમ ઉષ્‍ણતામાન ૩૦.૪ સે.ગ્રે., લઘુતમ ઉષ્‍ણાતામાન ૨૬ સે.ગ્રે. પવનની ગતિ ૭૨ કિમી. , હવાનું દબાણ ૯૯૮.૮ એચ.પી.એસ સુર્યોદય ૬.૧૪ તથા સુર્યાસ્‍ત ૭.૩૮ મીનીટે.

 

(11:53 am IST)