Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

સાયલાના વખતપર પાસે બાઇક સ્લીપ થતાં ઘવાયેલા જસુબેન કોળીનું મોત

હડાળાના કોળી મહિલાએ ૯ દિવસની સારવાર બાદ દમ તોડ્યો:સુરેન્દ્રનગર હોસ્પિટલમાંથી મૃતદેહ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ લઇ જવાનું કહેતાં સ્વજનો અને પોલીસ હેરાન થયા

રાજકોટ તા. ૬ : સાયલાના વખતપર નજીક બાઇક સ્લીપ થતાં હડાળા ગામે રહેતાં જસુબેન કેશુભાઇ મદરાણીયા (કોળી) (ઉ.વ.૪૦) અને પતિ કેશુભાઇ જીલુભાઇ મદરાણીયા (ઉ.૪૨)ને ઇજાઓ થઇ હતી. સારવાર દરમિયાન જસુબેને દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જસુબેન તા. ૨૬ના રોજ પતિ કેશુભાઇ સાથે બાઇકમાં બેસીને ચંદરવા ગામે કામ માટે જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં વખતપરના બોર્ડ પાસે બાઇક સ્લીપ થઇ જતાં પતિ-પત્નિ બંનેને ઇજાઓ થતાં દાખલ કરાયા હતાં. સારવાર બાદ પતિને રજા અપાઇ હતી. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત જસુબેન સતત નવ દિવસની સારવાર બાદ ગઇકાલે મોતને ભેટતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃતદેહને સાયલા હોસ્પિટલથી સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો હતો. પરંતુ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવું પડશે તેમ તબિબોએ જણાવતાં સાયલા પોલીસે મૃતદેહ રાજકોટ ખસેડ્યો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ ખેત મજૂરી કરે છે. અકસ્માતનો કેસ હોવા છતાં અને નવ દિવસની સારવાર લીધી હોવા છતાં મૃતદેહને છેક રાજકોટ પોસ્ટ મોર્ટમ માટે ધકેલી લેવામાં આવતાં પરિવારજનો અને પોલીસ બંને હેરાન થયા હતાં.

(11:46 am IST)