Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ગિરનાર ઉપર ભારે વરસાદને લઇ જુનાગઢનો દામોદર કુંડ અને બાદલપુર ડેમ ઓવરફલો-ભાખરવડ જળાશય ૭૦ ટકા ભરાયો

આખી રાત્રી વરસાદથી ડેમોની જળસપાટીમાં વધારો

જુનાગઢ, તા. ૬ : જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી લીલા લહેર થઇ ગયા છે. ગિરનાર ઉપર ભારે વરસાદને લઇ પવિત્ર દામોદર કુંડ ઓવરફલો થયો છે.

આ સાથે બાદલપુર ડેમ પણ ઓવરફલો થતાં લોકોને સાવચેતી કરવામાં આવેલ છે.

જુનાગઢમાં રાત્રે મેઘરાજાની મહેર યથાવત રહી હતી અને ગિરનાર તેમજ દાતા પર્વત અને તેના જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદથી પવિત્ર દામોદર કુંડ પાણીથી છલોછલ થઇ ગયો છે. ગિરનારમાંથી નીકળતી સૌરાષ્ટ્ર, કાળવા, લોલ અને ઓઝત નદીમાં પૂર આવ્યું હતું.

તેમજ જુનાગઢની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરમાં પાણીની જોરદાર આવક થઇ છે.

દાતારની બાજુમાં આવેલ વિલીગ્ડન ડેમમાં પુષ્કળ ઉપર પાણી ઠલવાયું છે જેના પરિણામે આજે સવારે પણ કાળવાના વોંકળામાં પાણીની જાવક રહી હતી.

માળીયા હાટીના તાલુકાનો ભાખરવડ ડેમ ૭૦ ટકા ભરાય જતાં લોકોને એલર્ટ કરવામાં આવેલ છે.

જુનાગઢ નજીકનો બાદલપુર ડેમ વહેલી સવારે ઓવરફલો તેના ત્રણ દરવાજા ખોલવાની ફરજ પડી છે.

જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘકૃપા વરસતા ડેમોમાં અર્ધાથી બે ફુટ નવા પાણીની આવક થઇ છે.

જેમાં મધુવંતી, આંબાજળ, માંગેશ્રી બાંટવા ખારો, ઉબેણ, શાપુર, સાબલી, ઓઝત-બે, વિહરણ-બે, શિંગોડા, વંથલી, મછુન્દ્રી, રાવલ, સારણ અને ફોદાળા ડેમમાં નવા નીરની જોરદાર આવક થઇ છે.  ડેમોની આસપાસના વિસ્તારોમાં આજે પણ વહેતા જોવા મળયા છે. નદી-નાળા છલકાતા ધરતીપુત્રોમાં ખુશી છવાઇ ગઇ છે.

(11:39 am IST)