Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ઉપલેટાનો વેણુ - ર ડેમ એક જ રાતમાં ઓવરફલોઃ મોજ ડેમમાં ૩ ફુટ નવું પાણી

 ઉપલેટા તા. ૬: સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં યથાવત ચોમાસાનું આગમન થઇ ચુકયું છે અને ચારે તરફ શ્રીકાર વર્ષા વચ્ચે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઉપલેટા શહેરમાં કાલે રાત્રી દરમ્યાન સારો વરસાદ વરસતા લગભગ ૩ ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. દરમ્યાન તાલુકાના ગામડાઓમાં ૧ થી ૭ ઇંચ વરસાદ પડયો છે.

ઉપલેટા શહેરને પીવાનું પાણી પુરૃં પાડતો મોજ ડેમ સાઇટ ઉપર ગઇકાલ સાંજથી આજ સવાર સુધીમાં ૧૦પ મી.મી. સાથે મોસમનો કુલ વરસાદ ર૪પ મી.મી. સાથે ઉપરવાસના ગામડાઓમાં સારો વરસાદ થવાથી ૩ ફુટ જેટલા નવા નીરની આવક જોવા મળી છે. જયારે તાલુકાનો બીજો ડેમ વેણુ-ર ડેમ ખાતે ગઇ કાલ રાત્રી દરમ્યાન સારો વરસાદ હોવાના સમાચાર સાથે ઉપરવાસના ગામડાઓમાં સારો વરસાદ થવાથી ડેમ ઓવરફલો થઇ રહ્યો છે. વેણુ-ર ડેમની સપાટી નાની હોવાથી દર વખતે પહેલા વરસાદ દરમ્યાન જ ડેમ ઓવરફલો થતો હોય છે. તેવી જ રીતે આજે પણ એકજ રાતમાં ડેમ ઓવરફલો સાથે ૩ પાટીયા ખુલ્યા હોવાનું જાણવા મળેલ છે.

(11:39 am IST)