Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ભુજના માધાપર ગામે નાયી અને પટાવાળાએ પોલીસ બેંક મેનેજર બની યુવતીનું જાતીય શોષણ કરતા ચકચાર

સતત ચાર મહિના સુધી તંગ કરતા બંને શખ્સોથી કંટાળેલી યુવતીએ આખરે પોલીસના દ્વાર ખટખટાવ્યા

ભુજ તા. ૬ : મધ્યપ્રદેશથી કચ્છમાં રોજગારી માટે આવેલી ૩૦ વર્ષીય યુવતીને નોકરીની લાલચે સતત ચાર મહિનાથી શારીરિક શોષણ કરતા બે શખ્સોથી કંટાળીને પોલીસને ફરિયાદ કરતાં ચકચાર મચી ગઇ છે.

ચારેક મહિના અગાઉ પોતાના પરિચિત સાથે માધાપર આવેલી આ યુવતીને બાઇક ઉપર સવાર બે યુવાનો મળ્યા હતા. બન્ને પૈકી એકે પોતાનું નામ ધર્મેશ ભાટિયા અને પોલીસમાં હોવાનું જયારે બીજાએ પોતાનું નામ મયુર જોશી અને બેંકમાં હોવાનું જણાવ્યું હતું. આ બન્નેએ યુવતીને એક વાડીમાં નોકરી અપાવી હતી. ત્યાંજ રહેવા માટે ઓરડી અપાવ્યા બાદ બન્નેએ યુવતીને અડપલાં કરી તેણીની જાતીય પજવણી શરૂ કરી હતી. મજબૂરી વશ યુવતીએ બન્નેની જાતીય હરકતો સહન કરી હતી. બન્નેએ યુવતીને સંપર્કમાં રહેવા મોબાઈલ લઈ દીધો હતો.

જોકે, ધીરે ધીરે યુવતીએ અન્ય કોમ્પ્લેકસમાં સાફસફાઈનું કામ મેળવ્યું હતું. તેમ જ આ બન્નેના અડપલાઓ થી કંટાળીને રહેવાનું સ્થળ બદલ્યું હતું.

દરમિયાન ધર્મેશ તથા મયુર બન્નેએ ત્યાં પણ યુવતીને તંગ કરવાનું શરૂ કરતાં કોમ્પ્લેકસના માલિકને યુવતી કાંઈક મુશ્કેલીમાં લાગતા તેમણે યુવતીને પૂછપરછ કરતા યુવતી રડી પડી હતી અને બન્નેના જાતીય અડપલાઓ તેમ જ સતામણીથી પોતે કંટાળી ગઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે સધિયારો આપતા આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો અને ભુજ બી ડિવિઝન પોલીસે બન્ને શખ્સોને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે. બન્ને યુવાનો પૈકી ધર્મેશ હરતા ફરતા નાયીનું કામ કરે છે, જયારે મયુર ખાનગી બેંકમાં પટાવાળો છે.

(10:09 am IST)