Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ગ્રામીણ ક્ષેત્રથી લઈ શહેર સુધી અને ખેડૂતોથી માંડી મહિલા-યુવા તમામ વર્ગને આવરી લેતુ અંદાજપત્રઃ પૂનમબેન માડમ

જામનગર, તા. ૬ :. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેઓના સઘન માર્ગદર્શનના નેજા હેઠળ નાણામંત્રી શ્રી નિર્મલાજી સીતારામન દ્વારા સંસદમાં રજુ કરાયેલા ૨૦૧૯-૨૦ના અંદાજપત્રને ગ્રામીણ ક્ષેત્રથી લઈ શહેર સુધી અને ખેડૂતોથી માંડી મહિલા-યુવા તમામ વર્ગને આવરી લેતુ હોવાનું ૧૨-જામનગર લોકસભાના સાંસદશ્રી પૂનમબેન માડમએ જણાવ્યુ છે. તેમજ ઉમેર્યુ છે કે મધ્યમવર્ગ ઉપર કોઈપણ પ્રકારના વધુ ભારણ ન હોય તેમજ અંત્યોદયની સેવાઓના વ્યાપને વિસ્તારતી જોગવાઈઓ હોય કેન્દ્રીય બજેટ બહોળા વર્ગને મજબુતી આપનારૂ બની રહેશે.

ડીજીટલ ઈન્ડીયા, ઈઝ ઓફ લીવીંગ અને મેક ઈન ઈન્ડીયાને પણ સાકાર કરતી મહત્વપૂર્ણ જોગવાઈઓનો બજેટમાં સમાવેશ કરાયો છે સાથે સાથે સ્ટાર્ટઅપ ઈન્ડીયા દ્વારા શૂન્યથી માંડી ભવ્ય સર્જન કરનારી અને દરેક ઉદ્યોગ સાહસીકોના તમામ સ્વપ્નાઓ સાકાર કરનારી સાહસિક યોજનાઓ રાષ્ટ્રને વિશ્વ ફલક પર નોંધપાત્ર ઉંચાઈઓ પ્રાપ્ત કરાવશે તેવો વિશ્વાસ આ તકે સાંસદશ્રી પૂનમબેન માડમે વ્યકત કર્યો હતો.

મહિલાઓને વધુ સાહસિક બનાવવા, યુવાનોને દિશાસૂચન સાથે રોજગારના વ્યાપ વધારવા, બાળકોની તંદુરસ્તી સુધારવી, શ્રમયોગીઓ, વેપારીઓ, ઉદ્યોગકારોને વધુ સુવિધાઓ આપવી, કારોબારીઓને આર્થિક સલામતી પુરી પાડવી, તેના સહિતની રાષ્ટ્રના આધાર સમાન બાબતોને તો આવરી લેવાઈ છે. સાથે સાથે નવી શિક્ષણ નિતી જેના ઉપર રાષ્ટ્રનો પાયો વધુ મજબુત થશે તે ઉપરાંત, વીજળી, પાણી, રોડ અને અવકાશી પરિવહન, સંશોધન, ઉત્પાદન, નિકાસ, કર માળખા, ડીજીટલાઈઝેશન, ટેકનોલોજી, વિજ્ઞાન, આરોગ્ય, આવાસ, બેંકીંગ સહિતના ક્ષેત્રમાં બારીકાઈથી અભ્યાસ કરી નાની નાની અડચણો દૂર કરી સરળતા કેવી રીતે સ્થાપી શકાય તેનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવાની જોગવાઈ કરવામાં આવી છે તે બાબતો તમામ વર્ગ અને તમામ ક્ષેત્ર માટે લાંબાગાળે શ્રેષ્ઠ પરિણામલક્ષી અને અત્યંત ઉપયોગી બની રહેશે તેમ આ યાદીમાં સંસદ સભ્યશ્રી પૂનમબેન માડમે વધુમાં જણાવ્યું છે.  એકંદર કેન્દ્ર સરકારનું વર્ષ ૨૦૧૯-૨૦નું આ બજેટ રાષ્ટ્રનો દરેક આયામોથી વિકાસ થાય, દરેક વર્ગને રાહત થાય અને વધુ સુવિધાઓ મળે તેમ જ માળખાકીય વિસ્તાર થાય અને વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રમાં પણ વિકાસ થાય તે રીતનુ અને સમગ્રપણે રાષ્ટ્રના સર્વાંગી વિકાસને આવરી લેતુ અને 'ન્યુ ઈન્ડીયા'ને સાકાર કરનારૂ એવું આ સંતુલીત બજેટ ભારતની મક્કમ પ્રગતિની વિશ્વ કક્ષાએ નોંધ કરાવનારૂ બની રહેશે તેમ આ યાદીના અંતમાં સાંસદશ્રી પૂનમબેને જણાવ્યુ છે.

(1:31 pm IST)