Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

બાબરા માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને તોલમાં છેતરપીંડી કરતી ગેંગ અને વેપારીનો પર્દાફાશ

બાબરા તા. ૬ :.. આટકોટના વેપારી ભરતભાઇ ઠુંમર (ભીખાભાઇ) ગેલકૃપા ટ્રેડીંગના નામે કપાસનો ઉચક વેપાર કરી પરપ્રાંતિય મજૂરો અને તોલાટ સાથે મીલી ભગત કરી ખેડૂતો સાથે તોલમાં ર૦ થી રપ મણ કપાસની છેતરપીંડી કર્યાની શંકાના આધારે બાબરા માર્કેટ યાર્ડના ચેરમેન તથા સેક્રેટરીની સુચનાથી ચેકીંગ કરવામાં આવતા તોલમાં છેતરપીંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો હતો.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ અમરાપરાના ખેડૂત પદુભાઇ ભારદીયા ને ત્યાં બજાર ભાવ કરતા ૧૦ રૂપિયા ઉંચા ભાવે સોદો કરી તોલ કરતા હતા ત્યારે યાર્ડના ચેરમેન જીવાજીભાઇ રાઠોડ તેમજ સેક્રેટરી અજયભાઇ પંડયાની સુચના મુજબ યાર્ડના કર્મચારીઓ દ્વારા તોલ ચેક કરતા છેતરપીંડી થયાની શંકાના આધારે ખેત ઉત્પન્ન બજાર અધિનીયમ-૧૯૬૩ ની કલમ-ર૯ અન્વયે વાહન જપ્ત કરી બજાર સમિતિના વે-બ્રીજ ઉપર વજન ખરાઇ કરતા આશરે ર૪ મણ કપાસ ખેડૂતને ચુકવેલ વજન કરતા વધારે માલુમ પડેલ. જેથી માર્કેટ યાર્ડના ચેરમેન જીવાજીભાઇ રાઠોડ દ્વારા અમરેલી એસ. પી. નિલિપ્ત રાયને રૂબરૂ મળી આવી ચીટર ગેંગનો પર્દાફાશ થાય તે માટે જરૂરી પોલીસ સહાય આપવા રજૂઆત કરવામાં આવેલ જેથી એસ. પી. દ્વારા તુરંત જ બાબરા પીએસઆઇને જાણ કરી સત્વરે કાર્યવાહી કરવા સુચના આપેલ અને ચેરમેન જીવાજીભાઇ રાઠોડ દ્વારા ભોગ બનનાર ખેડૂત સાથે રહી બાબરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરી આવી ગેંગનો પર્દાફાશ કરેલ છે.

ઉપરોકત કામગીરીમાં બજાર સમિતિના વાઇસ ચેરમેન બીપીનભાઇ રાદડીયા તેમજ સદસ્ય મનુભાઇ શેલીયા, મનસુખભાઇ પલસાણા, ગોવિંદભાઇ બાવળીયા, બળવંતરાય ચાંવ, ઉકાભાઇ ગોલાણી, તેમજ બોર્ડ ઓફ ડીરેકટરર્સ તેમજ સેક્રેટરી અજયભાઇ પંડયા, ઇન્સપેકટર પી. એલ. દેવમુરારી, કર્મચારી વિ. એમ. વાઘેલા, એલ. એમ. ગોહેલ, એ. વી. વાળા તેમજ સ્ટાફ દ્વારા ઉમદા કામગીરી કરી ચીટર ગેંગનો પર્દાફાશ કરેલ છે.

(1:30 pm IST)