Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

કેશોદના માણેકવાડાની વાડીમાં ૩૩.૧૬ લાખનો દારૂ ઝડપાયો

કટીંગ થાય તે પહેલા પોલીસનું ઓપરેશનઃ રૂ. ૫૬.૮૫ લાખનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ, તા. ૬ :. કેશોદન માણેકવાડાની વાડીમાંથી પોલીસે કટીંગ થાય તે પહેલા રૂ. ૩૩.૧૬ લાખના દારૂની ૬૯૧ પેટી પકડી પાડી કુલ રૂ. ૫૬.૮૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચાર શખ્સોને ઝડપી લેતા બુટલેગરોમાં હલચલ મચી ગઈ છે.

એસપી સૌરભ સિંઘની સૂચનાથી કેશોદના પીઆઈ ડી.જે. ઝાલા સ્ટાફ સાથે રાત્રે પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ બાતમીના આધારે કેશોદ તાલુકાના માણેકવાડા ગામમાં નાથા ઉર્ફે કબાડી હરદાસ કુછડીયાની વાડીમાં દરોડો પાડયો હતો.

આ દરમિયાન દારૂનું કટીંગ થઈ રહ્યું હોવાનું માલુમ પડયુ હતુ. પોલીસે આ કાર્યવાહી દરમ્યાન પંજાબ પાસીંગનો પીબી-૫-એમ-૮૮૫૩ નંબરનો ટોરસ ટ્રક વિદેશી દારૂ સાથે પકડી પાડયો હતો.

તેમજ પોલીસે રૂ. ૩૩,૧૬,૮૦૦ની કિંમતના ઈંગ્લીશ દારૂની ૬૯૧ પેટી (૮૨૯૨ બોટલ) તેમજ રૂ. ૨.૬૦ લાખનો ટ્રક એકટીવા મોટર સાયકલ, ભુસાના કટ્ટા, ૯ મોબાઈલ ફોન અને રૂ. ૬૯૦૦ની રોકડ મળી કુલ રૂ. ૫૬,૮૫,૭૦૦ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે દારૂ અને અન્ય મુદ્દામાલ સાથે પંજાબના ટ્રકનો ડ્રાઈવર પરગટસિંગ ઉર્ફે પગા અર્જુદસિંગ તેમજ માણેકવાડાનો નાથા ઉર્ફે કબાડી હરદાસ કુછડીયા, વંથલીના ધંધુસરનો ડ્રાઈવર જયેશ ઉર્ફે જયલો કનુભાઈ મુળીયાસીયા અને માણેકવાડાનો પોલા લખમણ ઓડેદરાની ધરપકડ કરી હતી.

(1:27 pm IST)