Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ઉના તાલુકાના વડવિયાળા ગામમાં ભાડા મુદ્દે ડખ્ખો થતા માલિકે ટેકાના ભાવે ખરીદેલ મગફળીના ગોડાઉનને તાળા મારી દીધાઃ ૭ મહિના વિત્યા છતાં ગુજરાત વેર હાઉસે અેક રૂપિયો પણ ભાડુ ચૂકવ્યું નથીઃ હાઇકોર્ટના દરવાજા ખટખટાવવાની ચિમકી

ઉનાઃ ઉના તાલુકાનાં વડવિયાળા ગામે આવેલા પંકજ ભાઈ નામના વ્યક્તિનાં ગોડાઉનમાં, જ્યા ડિસેમ્બર 2017માં નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની 30 હજાર જેટલી ગુણોનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જે ગુજરાત સ્ટેટ વેર હાઉસની આગેવાનીમાં આ જથ્થો રખાયો હતો. પરંતુ આ મગફળી એક વેપારીએ ખરીદી લેતા નાફેડ અને વેર હાઉસના અધિકારીઓ આ જથ્થો પરત લેવા આવ્યા હતા. જો કે ગોડાઉન માલિકે મગફળીનો જથ્થો પરત આપવાની ના પાડી દીધી એટલું જ નહીં તમામ ગોડાઉનો પર પોતાનાં તાળા મારી દેતા આખરે નાફેડ અને વેર હાઉસના અધિકારીયોએ ઉના પોલીસ તથા નાયબ કલેકટરની મદદ લઇ તાળા તોડી મગફળીનો જથ્થો બહાર કાઢ્યો.

ગોડાઉન માલિકનું કહેવું છે કે, 12 ડિસેમ્બર 2017ના રોજ અમારૂ ગોડાઉન ભાડે રાખ્યું હતું. જેનું ભાડું સ્કવેર ફૂટે સાડા સાત રૂપિયા નક્કી કરાયું હતું, અને 30 હજાર જેટલી ગુણીનો જથ્થો અહીં રાખવામાં આવ્યો હતો. પરંતુ 7 મહિના વીત્યા છતાં ગુજરાત વેર હાઉસે એક રૂપિયો પણ ભાડું ચુકાવ્યું નથી અને ઉલટાનું જે ભાડું નક્કી કરાયુ હતું, તેમાં દોઢ રૂપિયો કટ કરી 6 રૂપિયા ચૂકવવાનું કહે છે. જેથી અમે મગફળીનો જથ્થો લઇ જતો અટકાવીએ છીએ અને ગોડાઉને તાળા મારી દીધા છે. અગર જરૂર પડશે તો અમો હાઇકોર્ટના દરવાજા ખટખટાવીશું.

બીજી તરફ ગુજરાત સ્ટેટ વેર હાઉસના અધિકારીનું કહેવું છે કે, અલગ અલગ વિસ્તાર મુજબ ગોડાઉનોના ભાવ નક્કી થાય છે. અમે ઉના અને કોડીનારમાં 4 થી 5 રૂપિયા ભાવ ચૂકવીએ છીએ. પરંતુ વડવિયાળા ગામના ગોડાઉનના ભાવ ગોડાઉન માલિક ઉંચા 7 રૂપિયા કહે છે.

અમારા સવાલના જવાબમાં વેર હાઉસના અધિકારીએ પોતાનો બચાવ કરતા કહ્યું કે, જે સમયે ગોડાઉન ભાડે રખાયું અને કરાર થયા તે સમયે અધિકારી નવા હોવાથી 7 રૂપિયા ભાડું કહ્યું હશે, પરંતુ અમે 6 આપીશું.

ટેકા ના ભાવે ખરીદાતી મગફળીની જાળવણી સંદર્ભે નાફેડ અને વેર હાઉસ વિવાદોમાં સપડાયું હતું. પરંતુ અહીં મોટો સવાલ એ છે કે જે તે સમયે કરાર થયા બાદ વેર હાઉસ કેમ ગુલ્ટી મારી ભાડું ચૂકવવા કચવાટ કરે છે. જ્યારે કરાર થયા ત્યારે આ બધી વાતોનું કેમ ધ્યાન ન રખાયું!.

(6:24 pm IST)