Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

કોંગ્રેસમાં વધુ એક ઝડકોઃ ધારાસભ્ય વિક્રમ માડમની નારાજગી સામે આવી

નારાજગી અંગેની ઓડીયો કલીપ વાયરલ : નારાજગી પાછળ જિલ્લા પંચાયતનું રાજકારણ

અમદાવાદ, તા.૬:  લોકસભાની ચૂંટણી પૂર્વે જાણે ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડે એવી સ્થિતિ જોવા મળી રહી છે. દિગ્ગજ નેતાઓની પક્ષમાંથી એક પછી એક વિકેટ પડતી દેખાઇ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં કોંગ્રેસના જૂના જોગીઓ પાર્ટીથી અળગા થઇ રહ્યા છે. વિક્રમ માડમના રૂપમાં વધુ એક નેતાની નારાજગી સામે આવી છે. જો તેઓ પાર્ટી છોડે તો પક્ષને મોટો ફટકો પડી શકે એમ હોવાનું રાજકીય પંડિતોનું માનવું છે.

તાજેતરમાં જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળીયા વર્તમાન ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી બની ગયા છે. આ સંજોગોમાં કોંગ્રેસના વધુ એક નેતા પાર્ટીથી નારાજ હોવાનું સામે આવતાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને જામ ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ પાર્ટીથી નારાજ હોવાનું વાયરલ થયેલ એક ઓડિયો કિલપ દ્વારા કહી શકાય એમ છે.

વાયરલ થયેલ ઓડિયો કિલપમાં સ્પષ્ટ કહેવાય છે કે, કેટલીક વાતોને લઇને નારાજગી છે. કોગ્રેસ પાર્ટી સારી છે અને કાર્યકરો સારા છે પરંતુ નેતાગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. જોકે આ ઓડિયો કિલપમાં એવું પણ કહેવાય છે કે તેઓ કોંગ્રેસ છોડશે પરંતુ ભાજપમાં તો નહીં જ જોડાય.

કુંવરજી બાવળિયાએ કોંગ્રેસને રામ રામ કર્યાના ગણતરીના દિવસોમાં જ વિક્રમ માડમની નારાજગી સામે આવતાં સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શું ખરેખર તેઓ નારાજ છે? શું તેઓ પાર્ટી છોડશે ? આ સવાલો ચર્ચાસ્પદ બન્યા છે.

દરમિયાન જાણવા મળતી વિગતો મુજબ તાજેતરમાં જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખની વરણીમાં બહુમતી સભ્યોએ વિક્રમભાઇ માડમના જુથના મહિલા ઉમેદવાર વિરૂધ્ધ સેન્સ આપતા વિક્રમભાઇ જુથના મહિલા સદસ્ય પ્રમુખ બની શકયા ન હતા. હાઇકમાન્ડે બહુમતી જિલ્લા પંચાયતના સભ્યોએ જેમની તરફેણ કરી હતી તેમને જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે બેસાડયા હતા. ઉપરોકત બાબતના કારણે વિક્રમભાઇ નારાજ થયા હોવાનું  જામનગર જિલ્લા પંચાયત વર્તુળોમાં જાણવા મળે છે.

(3:58 pm IST)