Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

પેટ્રોલ-ડિઝલનો ભાવવધારો નિયંત્રણમાં નહી આવે તો ગરીબ-મધ્યમ વર્ગને બે છેડા ભેગા કરવા મુશ્કેલ બનશે

ભાવવધારા સામે આક્રોશ ઠાલવતા લાઠી-બાબરાના કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર

અમરેલી તા.૬ : ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતુ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવોમાં વધારો થતા તેમજ ડોલર સામે રૂપિયો નબળો પડતા અને અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોરના કારણે આગામી દિવસોમાં ઘર આંગણે પેટ્રોલ અને ડીઝલના ભાવો વધવાની પુરેપુરી શકયતાઓ રહેલી છે. તે જોતા કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોને કઇ રીતે નિયંત્રણમાં રાખી શકાય તેના સચોટ ઉપાયો શોધવાની તાતી જરૂર છે. નહીતર દેશમાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવોમાં વધારો થવાથી મોંઘવારીમાં અસહ્ય વધારો થશે અને તેના પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગને બે છેડા ભેગા કરવા મુશ્કેલ બનશે. પરંતુ મને લાગે છે કે માત્ર ને માત્ર રાજકીય એજન્ડા ઉપર કામ કરતી મોદી સરકાર આ બાબતમાં અંધારામાં અથડાઇ રહી છે.

શ્રી ઠુંમરે વધુમાં જણાવ્યું કે, અમેરિકાએ ઇરાન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ઉત્પાદન અને પુરવઠામાં ભારે મોટો ઘટાડો થવાની શકયતાઓ દેખાઇ રહી છે અને તેના કારણે ક્રુડ ઓઇલના ભાવોમાં સમયાંતરે ઉછાળા આવી રહ્યા છે. ક્રુડ ઉત્પાદક અગ્રણી દેશો (સાઉદી અરેબિયા, રશિયા અને વેનેઝુએલા) એ રોજના દસ લાખ બેરલ ક્રુડનું ઉત્પાદન વધારવાનો  અને બજારમાં પુરવઠાનું સંતુલન જાળવવાનું જાહેર કર્યુ છે પરંતુ જાણકાર લોકોના કહેવા પ્રમાણે રોજના દસ લાખ લોકો બેરલ ક્રુડનું ઉત્પાદન વધારવાથી વૈશ્વિક માંગ પુરી થઇ શકે તેમ નથી અને તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવો હજુ વધવાની પુરેપુરી શકયતાઓ દેખાઇ રહી છે. ત્યારે મોદી સરકારે દેશના અર્થતંત્રને ટકાવી રાખવા અગમચેતીના પગલા ભરવા જરૂર છે નહીતર દેશનું અર્થતંત્ર હજુ વધારે ખોરવાઇ જશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

શ્રી ઠુંમરે જણાવ્યુ કે, ગત સપ્તાહમાં ડોલરની સામે રૂપિયો ૬૯ ની ઐતિહાસિક નીચી સપાટીએ ઉતરી જતા ઇમ્પોર્ટ બિલમાં તોતીંગ વધારો થશે. કેમકે ભારત તેની કુલ જરૂરિયાતના ૧૩ ટકા જેટલી ક્રુડની આયાત કરે છે. ઓઇલ માર્કેટીંગ કંપનીઓ ક્રુડના ભાવના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો નકકી કરે છે. આમ છતા ડોલરમાં થતી વધઘટ પણ પેટ્રોલ ડીઝલની કિંમતોને અસર કરે છે.

સૌથી મોટી આશ્ચર્યની બાબાત હોય તો એ છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનું વિતરણ કરતી સૌથી મોટી ઓઇલ માર્કેટીંગ કંપનીએ તેની વેબસાઇટ પર દર્શાવ્યા મુજબ ફયુઅલ પ્રાઇઝર જાહેર કરવાની પધ્ધતીમાં હાલ બદલાવ કરવામાં આવ્યો છે. જેના કારણે લોકોને ફયુઅલ પ્રાઇઝર જાણવાનું થોડુ કઠીન બન્યુ છે અને આ ઉપરાંત આઇઓસીની વેબસાઇટ ઉપર વિતેલા વર્ષોમાં ફયુઅલ પ્રાઇઝની કિંમત શું હતી તેના આંકડા દર્શાવવાનું બંધ કર્યુ છે એ સૌથી મોટી આશ્ચર્યજનક બાબત છે તેમ અંતમાં વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતુ.

(11:49 am IST)