Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

લોધીકા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ભારે ચિંતા

ભુગર્ભ ગટરના ઉભરાતા ગંદા પાણીથી જન આરોગ્‍ય ઉપર ખતરો

લોધીકા : તસ્વીરમાં ભુગર્ભ ગટરના ઉભરાતા ગંદા પાણી નજરે પડે છે. (તસ્વીર : સલીમ વલોરા - લોધીકા)

લોધીકા તા.૬ : લોધીકા પંથકમાં હજુ સુધી વરસાદ નહી પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયેલ છે. આ પંથકમાં અનેક કિશાનોએ અગાઉથી જ કોરી ખેતીમાં બિયારણની વાવણી કરી દીધેલ છે. ત્યારે વરસાદ ખેંચાતા ખેડુતોના બિયારણ અને ખાતર નષ્ટ થવાની નોબત આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય ગયેલ છે. આ અંગે ચાંદલીના કિશાન દિલીપસિંહ જાડેજા તથા મહેશભાઇ સોરઠીયાએ ચિંતા વ્યકત કરતા નિવેદનમાં  જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી આ પંથકમાં અપુરતો વરસાદ થયેલ છે. જેથી પુરતો પાક ન મળવાથી ખેડુત પરેશાન છે.

વધુમાં આ પંથકના કિશાનોને સમયસર પાક વિમો પણ મળેલ નથી. આવા સંજોગોમાં આ પંથકનો કિશાન દેવામાં દબાયેલો છે ત્યારે હાલ ચાલુ ચોમાસાની સીઝનમાં વરસાદ ખેચાતા અને આ અંથકના કિશાનોએ સારા વરસાદની આશાએ કોરી ખેતીમાં ખાતર, બિયારણ વાવી દેતા અને વરસાદ ખેંચાતા ખેડુતોના ખાતર, બિયારણ નષ્ટ થવાની નોબત આવેલ છે.

વરસાદ ખેંચાતા ખેડુતો ખોટના ખાડામાં ઉતરી ગયેલ છે અને વિઘા દીઠ હજારો રૂપિયાની નુકશાની સહન કરવાની નોબત આવેલ છે.

લોકોમાં રોષ

સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે છેવાડાના ગામો સુધી યોજના પહોચે તે માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. પરંતુ યોજના પુર્ણ રીતે સાકાર ન થવાની નોબત આવે છે ત્યારે કરોડો રૂપિયા વેડફાઇ જાય છે. લોકોને સુવિધાને બદલે દુવિધામાં વધારો થાય છે.

તેવી જ રીતે લોધીકામાં કરોડો રૂપિયાના ખર્ચે આકાર પામેલ ભુગર્ભ ગટર યોજનામાં કોન્ટ્રાકટરની ટેકનીકલ ક્ષતિને પરિણામે હાલ ગામની ગટરની કુંડી ઉભરાઇ રહી છે. પાણી રોડ ઉપર ફરી વળેલ છે. ગટરની પાઇપમાં કચરો ભરાઇ જવાથી પાણીનો નિકાલ થતો નથી પરિણામે લોકોમાં રોષની લાગણી વ્યાપી છે.

ગ્રામ પંચાયતે કરેલ રજૂઆત મુજબ ગામની ભુગર્ભ ગટર યોજનાના કામના કોન્ટ્રાકટર દ્વારા સફાઇના અભાવે તેમજ ગટરના મુખ્ય કોન્ટ્રાકટરની ટેકનીકલ ખામીને પરિણામે લોકો દુવિધા ભોગવી રહેલ છે. ગટરની સફાઇ કામનો કોન્ટ્રાકટ જીલ્લા પંચાયત તરફથી આપવામાં આવેલ છે. પરંતુ છેલ્લા બે - બે વર્ષથી અવાર નવારની રજૂઆતો કરવા છતા જવાબદારો કોઇ કાર્યવાહી કરતા નથી. જીલ્લા પંચાયતના અધિકારી તથા કોન્ટ્રાકટરની બેદરકારીને પરિણામે હાલ ગામમાં ઠેકઠેકાણે ગટરના પાણી ઉભરાય રોડ ઉપર આવે છે.

ગટરની કુંડીઓ બ્લોક થઇ ગયેલ છે. પાણીનો નિકાલ ન થવાથી પાણી જમીનમાં ઉતરી લોકોના મકાનના પાયા ઉતરતા મકાનો ક્ષતિગ્રસ્ત થવાની ભીતી ઉભી થયેલ છે. ગંધાતા પાણીના લઇ મચ્છરોનો ત્રાસ ફેલાયેલ છે. મેલેરીયાનો ઉપદ્રવ વધતા લોકોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો તોળાઇ રહેલ છે ત્યારે તુરંત ઘટતુ કરવા સરપંચ જેન્તીભાઇ વસોયા, ઉપસરપંચ રાહુલકુમાર જાડેજા, સદસ્ય કિશોરભાઇ પીપળીયા, મનસુખભાઇ ખીમસુરીયા, સંગ્રામભાઇ શિયાળે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ છે. અન્યથા ગામ બંધ તથા ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારેલ છે.

પોસ્ટ ઓફીસમાં સ્ટેમ્પ પેપરની અછત

તાલુકા કક્ષાની લોધીકાની પોસ્ટ ઓફીસમાં છેલ્લા ઘણા સમયથી સ્ટેમ્પ પેપરની અછત સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે થયેલ રજૂઆત મુજબ લોધીકાની પોસ્ટ ઓફીસમાં લોધીકા સહિત આજુબાજુના ગામોમાંથી લોકો સ્ટેમ્પ પેપર લેવા આવે છે. પરંતુ સ્ટેમ્પ પેપર ન હોવાથી લોકોનો ધરમ ધકકો થાય છે.

નાછુટકે લોકોને રાજકોટ - ગોંડલ સુધીના ધકકા થાય છે. જરૂરી કામો માટે સ્ટેમ્પ પેપરની જરૂર પડતી હોય છે ત્યારે સ્ટેમ્પ પેપરની અછતને લઇને લોકોના કામ થતા નથી. લોધીકાની પોસ્ટ ઓફીસમાં ગોંડલની હેડ પોસ્ટ ઓફીસેથી સ્ટેમ્પ પેપર આવે છે.

ત્યારે ઘણા સમયથી ગોંડલની સ્ટેમ્પ ઓફીસેથી સ્ટેમ્પ પેપર ન મોકલાતા મુશ્કેલી સર્જાયેલ હોય તુરંત ઘટતુ કરવા ચાંદલીના સામાજીક કાર્યકર દિલીપસિંહ જાડેજા, મહેશભાઇ સોરઠીયાએ રજૂઆત કરેલ છે.

ઉજાલા યોજનાનું સેન્ટર

વીજળીની બચત થાય અને વિજ વપરાશકારોને પાવરબિલ ઓછા આવે એ હેતુથી રાજય સરકાર દ્વારા ઉજાલા યોજના શરૂ કરવામાં આવેલ હતી. તે અંતર્ગત લોધીકા ખાતે પણ ઉજાલા યોજનાનું સેન્ટર શરૂ કરવામાં આવેલ પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સેન્ટર બંધ કરી દેવાતા લોકોમાં રોષની લાગણી જન્મી છે. આ સેન્ટર ખાતેથી તાલુકાના ગામોના લોકો એલઇડી લેમ્પ, પંખા, ટયુબલાઇટ વગેરે ખરીદવા આવતા અને બગડેલા ઉપકરણો ગેરેંટી પીરીયડમાં હોય બદલવા માટે આવતા પરંતુ છેલ્લા ઘણા સમયથી અહી ખાતેનું સેન્ટર બંધ કરી દેવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

રાજય સરકાર દ્વારા મોટી મોટી જાહેરાત કરી ઉજાલા યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ પછી મેઇન્ટેનન્સ નવા વેચાણ, રીપ્લેસમેન્ટ વગેરે છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવાતા લોક રોષ જોવા મળી રહેલ છે. ત્યારે લોકોને પડતી હાલાકી દૂર કરવા બંધ સેન્ટર તુરંત શરૂ કરવા ચાંદલીના સામાજીક કાર્યકર દિલીપસિંહ જાડેજા, મહેશભાઇ સોરઠીયાએ રજૂઆત કરી છે.

(11:37 am IST)