Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ચોટીલા સ્થિત ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળે 'મેઘાણી - તકતી'ની સ્થાપના

રાજકોટ : ચોટીલા સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે 'મેઘાણી-તકતી'નું અનાવરણ થયું. ઝવેરચંદ મેઘાણીના રેખાચિત્ર, હસ્તાક્ષર અને સંસ્મરણોને આલેખતી ૪*૩ ફૂટની કાળા ગ્રનાઈટની આકર્ષક અને મનોરમ્ય ૨ તકતીની સ્થાપના ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા થઈ.  

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી, મેઘાણી-ગીતોના મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડ, સંનિષ્ઠ નાયબ પોલીસ અધિક્ષક (લીંબડી) પ્રદીપસિંહ જાડેજા, પીઆઈ પી.ડી. પરમાર, પીએસઆઈ આઈ.કે. શેખ અને જે.જે. ચૌહાણ, નિવૃત્ત્। નાયબ પોલીસ અધિક્ષક જે.એચ. જલુ તથા પોલીસ-પરિવાર, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય મેરૂભાઈ ખાચર, ચોટીલા નગરપાલિકાના ઉપપ્રમુખ હરેશભાઈ ચૌહાણ, શૈલેષભાઈ ઉપાધ્યાય, ચોટીલા એજયુકેશન એન્ડ ચેરીટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા), ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ગોવિંદસંગભાઈ ડાભી (રાણપુર), પ્રદીપભાઈ ખાચર (પિયાવા), શિક્ષણવિદ્ એચ.કે. દવે (સુરેન્દ્રનગર) અને અશ્વિનભાઈ સંઘવી (મુંબઈ), નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયા (રાજકોટ), ચિરાગભાઈ કોટક સહિત સાહિત્યપ્રેમીઓ અને મેઘાણી-ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.         

જન્મસ્થળમાં સ્થાપિત મેઘાણી-પ્રતિમાને નાયબ પોલીસ અધિક્ષક પ્રદીપસિંહ જાડેજાએ પોલીસ-પરિવાર વતી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ચોટીલાની પોલીસ-લાઈનમાં પોલીસ-પરિવારમાં જન્મેલાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું 'લાઈન-બોય' તરીકે ગુજરાત પોલીસ સવિશેષ ગૌરવ અનુભવે છે અને તેમના સ્મૃતિ-કાર્યક્રમોમાં પોલીસ-પરિવારનો હરહંમેશ સહયોગ રહેશે તેવી તેઓએ લાગણી વ્યકત કરી હતી. જન્મભૂમિ ચોટીલા સાથેનાં ઝવેરચંદ મેઘાણીનાં લાગણીસભર સંભારણાંને પિનાકી મેઘાણીએ વાગોળ્યા હતા. લોકગાયક અભેસિંહ રાઠોડે 'કસુંબીનો રંગ'દ્વારા સ્વરાંજલિ અર્પણ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના સંનિષ્ઠ અને સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણી (આઈપીએસ)એ પણ શુભેચ્છા પાઠવી હતી. નાયબ પોલીસ અધિક્ષક (લીંબડી) પ્રદીપસિંહ જાડેજાનું ભાવભર્યું અભિવાદન કરાયું હતું. ૧૯૮૮દ્ગક 'ભારત જોડો' અરૂણાચલથી ઓખા ૯૦૦૦ કિ.મી.ની સાયકલ યાત્રાનાં સાયકલ-વીર રાજેશભાઈ ભાતેલીયાનું પણ સન્માન કરાયું હતું.

મહાત્મા ગાંધીએ જેમને 'રાષ્ટ્રીય શાયર'ના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યકાર, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણી પોતાને 'પહાડનું બાળક'તરીકે ઓળખાવતા. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ (શ્રાવણ વદ પાંચમ  : નાગ પંચમી, વિક્ર્મ સંવત ૧૯૫૨)ના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના એ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના આ કવાર્ટરમાં થયેલો. બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા પિતા કાળીદાસ મેઘાણી નીડર અને નેક પુરૂષ હતા. પુત્રમાં ઉચ્ચ સંસ્કાર સિંચનાર હતા ધર્મપરાયણ માતા ધોળીમા. પોલીસ-પરિવાર અને પોલીસ-બેડા સાથે ઝવેરચંદ મેઘાણીનાં બાળપણનાં અનેક સંસ્મરણો તથા સ્મૃતિઓ જોડાયેલ છે. તેઓ લાગણીભેર નોંધે છે :  'આ પોલીસ-બેડાની દુનિયા અનોખી છે. તમે એમાં ભ્રમણ કરી શકશો નહિ. એ માટે તો તમારે એ દુનિયામાં જ જન્મ ધરવો જોઈએ.'ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકનું ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળનું ઐતિહાસિક મકાન સરકારી તાલુકા ગ્રંથાલયની સામે આવેલું છે. આ મકાનમાં ૨ ખંડ અને પાછળ નાનું ફળિયું છે. ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૧૦માં 'સ્વર્ણિમ ગુજરાત'ની ઊજવણી દરમિયાન ૧૧૪મી મેઘાણી-જયંતીએ સહુ પ્રથમ વખત જન્મસ્થળને જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું હતું. જન્મસ્થળની પાસે આવેલ નવનિર્મિત પોલીસ સ્ટેશનનું ૨૦૧૫માં ગુજરાત સરકારના ઐતિહાસિક નિર્ણય અંતર્ગત 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પોલીસ ભવન' તરીકે નામકરણ થયું છે.પિનાકી મેઘાણીએ, સ્વ-ખર્ચે, ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવનને નિરૂપતું રસપ્રદ અને માહિતીસભર પ્રદર્શન અહિ મૂકયું છે. જન્મસ્થળનાં આ ઐતિહાસિક મકાન તથા આજુબાજુમાં આવેલ અન્ય ઐતિહાસિક મકાનો, ઈમારતો, જગ્યાઓને સાંકળીને ભવ્ય 'સ્મારક સંકુલ'તરીકે વિકસાવવામાં આવે અને આ સંકુલમાં ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યને નિરૂપતું અઘતન દૃશ્ય–શ્રાવ્ય–મલ્ટીમિડિયા પ્રદર્શન ઉપરાંત સંશોધન-કેન્દ્ર, ગ્રંથાલય અને વાચન-કક્ષ, ઓડીટોરિયમ, ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવે. ચાંમુડા માતાનાં તીર્થધામ તરીકે ચોટીલા જગપ્રસિધ્ધ છે. ચોટીલા સાંસ્કૃતિક-તીર્થ તરીકે પણ વિશ્વભરમાં ખ્યાતિ પામે તેવી લોકલાગણી છે.

(11:35 am IST)