Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

વિંછીયાના કંધેવાડીયા ગામની સીમમાં ગાંજાનું વાવેતર પકડાયુ : સાધુ માટે વાવેતર કરેલ!!

મંદિરમાં સેવા કરતો જીવણ ધરજીયાએ સાધુ માટે વાવેતર કર્યાની કેફીયત આપી : લીલા અને સૂકા છોડ સહિત ૨.૫૧ લાખનો ગાંજાનો રૂરલ એસઓજીએ જથ્થો કબ્જે લીધો

તસ્વીરમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) સાથે રૂરલ એસઓજીનો સ્ટાફ નજરે પડે છે.

આટકોટ તા. ૬ : વિંછીયાના કંધેવાડીયા ગામની સીમમાં રૂરલ એસઓજીએ રેઇડ કરી ગાંજાનું જંગી વાવેતર ઝડપી લીધું હતું. પોલીસે ૨.૫૧ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે.

વિંછીયા તાલુકાના કંધેવાડીયા ગામ ખાતે જીવણભાઇ ખીમભાઇ ધરજીયા નામના શખ્સે પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરેલ હોય જે હકીકત આધારે રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસ ઇન્સ્પેકટર એચ.જી.પલ્લાચર્યા સહિતના સ્ટાફે આ સ્થળે રેડ પાડતા દરમિયાન માદક પદાર્થ ગાંજાના લીલા છોડ નંગ ૧૯૯ કિં.રૂ. ૨,૩૫,૪૦૦ તથા સુકવેલ ગાંજો ૨.૨૮૫ કિ.ગ્રા. જેની કિં.રૂ. ૧૫,૯૯૫ ગણી એમ કુલ કિં.રૂ. ૨,૫૧,૩૯૫નો મુદ્દામાલ કબ્જે કરી વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે પ્રતિબિંધક માદક પદાર્થોના કાયદા મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

એસઓજીના પીઆઇ પલ્લાચાર્યએ જણાવ્યું હતું કે, પકડાયેલ જીવણ ધરજીયા મંદિરમાં સેવા કરતો હતો અને મંદિરમાં રહેતા એક બાવાજી સાધુ માટે આ ગાંજાનું વાવેતર કર્યાની કેફીયત આપી હતી. જોકે, આ સાધુનું થોડા દિ' પૂર્વે જ મોત નિપજ્યું હતું. પકડાયેલ જીવણ ગાંજાના જથ્થાનું વેચાણ કરતો હતો કે કેમ? તે અંગે તપાસ કરવા તેને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે.

(2:37 pm IST)