Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ચોમાસુ આ વર્ષે મધ્યમ રહેશે : એકંદરે ૧૨ આની વર્ષ રહેવાની ધારણા

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો : ૨૦ આગાહીકારો હાજર રહ્યા : જુલાઇમાં સતત વરસાદ રહેશે : પ્રથમ વાવણી જૂનના બીજા અઠવાડિયામાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં, બીજી વાવણી જૂનના ચોથા સપ્તાહમાં દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર સિવાયના સૌરાષ્ટ્રમાં તથા ત્રીજી વાવણી જુલાઇના પહેલા અઠવાડિયામાં બાકીના સમગ્ર વિસ્તારમાં થવાની શકયતા

જૂનાગઢ તા. ૬ : જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાઇ ગયો. આ પરિસંવાદના ઉદ્દઘાટક અને  જૂ.કૃ.યુ., જૂનાગઢના કુલપતિશ્રી ડો.વી.પી.ચોવટીયાએ જણાવેલ કે વરસાદની આગાહીનું ઘણું મહત્વછે. આવી આગાહીને લીધે ખેડૂતો તેનું ખેત આયોજન સમયસર કરી શકે છે. આ આગાહી વહીવટી તંત્રને પણ ખૂબ ઉપયોગી પૂરવાર થતી હોય છે.  તેમણે કહ્યું કે, ઘણા આગાહીકારો પોતાની કોઠાસૂઝને લક્ષમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે. આ પરંપરાગત  જ્ઞાનને સાચવી રાખવાની જરૂર છે, તે માટે હવે પછીની પેઢીને પણ આ જ્ઞાનનો વારસો  મળે તે માટે તેમને પણ તૈયાર કરવા જોઈએ. ગયા વર્ષે આગાહીકારોની આગાહીઓ ૮૦ ટકા સાચી પડી તે બદલ અભિનંદન પાઠવું છું.

વિસ્તરણ શિક્ષણ નિયામક અને વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખ ડો. બી.કે. સગારકાએ જણાવ્યું કે, આગાહીકારો ખગોળ વિજ્ઞાન,  જયોતિષશાસ્ત્ર, કસ બંધારણ, હવામાનના પરિબળો, વનસ્પતિમાં થતાં ફેરફારો, પશુ-પક્ષીની ચેષ્ટા તેમજ ભડલી વાકયો વગેરેનો આધાર લઈને પોતાના પૂર્વાનુંમાનો રજૂ કરતા હોય છે.  આગાહીકારો એક મંચ પર ભેગા થાય અને પોત પોતાના અવલોકનો અને પૂર્વાનુમાન અંગે એકબીજા સાથે ચર્ચા વિચારણા દ્વારા ભવિષ્યમાં પોતાનાં પૂર્વાનુમાનમાં વધુ સચોટ રીતે કરવાની ક્ષમતા કેળવાય તે હેતુથી આ પરિસંવાદનું આયોજન કરવામાં આવે છે. અને અંતે બધાના પૂર્વાનુમાનોના નિચોડ રૂપે આગામી ચોમાસાનું તારણ કાઢવામાં આવે છે. કુલસચિવ ડો. પી. એમ. ચૌહાણએ પણ હાલ ની પરિસ્થિતિમાં કઈ રીતે કામ કરવું તેનું માર્ગદર્શન આપ્યું. વર્ષા વિજ્ઞાનના ડો. પી. આર. કાનાણીએ જણાવ્યું કે, આ ભડલી વાકયોનું જ્ઞાન ૧૦૭૭ વર્ષ પહેલા સોલંકીયુગમાં પણ ઉપયોગ થતો હતો,  ઉપરાંત વર્ષા   વિજ્ઞાન મંડળના ઉપપ્રમુખ ડો. જે.ડી. ગુંદાલીયાએ  પણ ઉપયોગી સૂચનો કર્યા હતા. અંતમાં આભાર દર્શન ડો. જી.આર. ગોહિલે કર્યું હતું. આપ્રસંગે વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય  મોહનભાઈ દલસાણીયા,  પી. એસ. ગજેરા, પ્રો. એમ. સી. ચોપડા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના યુનિવર્સીટી અધિકારીઓ ડો. પી. જે. ગોહિલ , ડો. એચ. સી. છોડવડીયા અને કુ. એન. વિ. સાવલિયાએ પણ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન પ્રો. વી. એમ.ભટ્ટએ કરેલ.

આ કાર્યક્રમમાં ૨૦ જેટલા આગાહીકારોએ તેમની આગાહીઓ રજૂ કરી હતી. આ પરિસંવાદમાં નીચે મુજબના તારણો મળેલ છે. જેનું તારણ નીચે મુજબ છે. 

અંદાજે બાર આની વર્ષ થવાની જાણકારોની આગાહી છે. માવઠાની શકયતા પ્રથમ ગાળામાં મે ની આખરમાં અને જુનના પ્રથમ સપ્તાહમાં થાય જયારે બીજા ગાળામાં ચોમાસા પછી ઓકટોબરના અંતિમ અઠવાડિયામાં  અને નવેમ્બરના પ્રથમ અઠવાડીયાની રહે છે.

પ્રથમ વાવણી જુનના બીજા અઠવાડીયામા દક્ષીણ સૌરાષ્ટ્રમાં થાય બીજી વાવણી જુનના ચોથા અઠવાડીયામાં દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર સીવાયના સૌરાષ્ટ્રના ભાગ થાય. જયારે ત્રીજી વાવણી જુલાઈના પેલા અઠવાડીયામાં બાકીના સમગ્ર વિસ્તારમાં થવાની શકયતા છે. અતિવૃષ્ટિ જુલાઈના પાછલા અને ઓગષ્ટના પહેલા પખવાડીયામાં થવાની શકયતા છે.

સતત વરસાદનો ગાળો (હેલી) જુલાઈ મહિનામાં થવાની શકયતા છે. વરસાદની ખેંચ ઓગષ્ટના બીજા પખવાડીયામાં અને સપ્ટેમ્બરના પ્રથમ પખવાડીયામાં  રહેવાની શકયતા છે.  ચોમાસાની વિદાય ઓકટોબરના બીજા પખવાડીયામાં થવાની શકયતા છે.  ચોમાસું આ વર્ષે મધ્યમ રહેશે.

(1:16 pm IST)