Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

મોરબીમાં માસ્ક વિના વેપાર કરતા વેપારીઓ નાગરિકો સહીત ૭૭ દંડાયા

પાલિકા ટીમે પોલીસને સાથે રાખી કાર્યવાહી કરીઃમાસ્ક પહેરવું ફરજીયાત, નિયમભંગ બદલ દંડ

મોરબી,તા.૬:ચાર લોકડાઉન બાદ સરકારે હવે વેપારધંધા માટે મોટાભાગે છૂટ આપી છે અને બજારો ધમધમવા લાગી છે ત્યારે વેપારીઓ માસ્ક વિના જ વેપાર કરતા હોય તેમજ નાગરિકો પણ બજારમાં જતા માસ્ક ના પહેરતા હોવાથી આજે પાલિકા ટીમે પોલીસને સાથે રાખીને દંડ ફટકારવાનું ખાસ અભિયાન આદર્યું હતું અને વેપારીઓ સહિતના ૭૭ લોકોને દંડ ફટકાર્યા હતા.

અનલોક ૧ માં વેપાર કરતા વેપારીઓ અને નાગરિકોએ માસ્ક પહેરવું તેમજ સોશ્યલ ડીસટન્સ સહિતના નિયમો પાળવાના હોય છતાં માસ્ક વિના જ વેપારીઓ વેપાર કરતા હોય જેથી આજે પાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટની સુચનાથી સેનિટેશન ઇન્સ્પેકટર કૃષ્ણસિંહ જાડેજા સહિતની પાલિકાની ટીમેં એ ડીવીઝન સ્ટાફને સાથે રાખીને દંડ ફટકાર્યા હતા.

મોરબીની મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં પાલિકા ટીમ ફરી હતી અને માસ્ક પહેર્યા વિના વેપાર કરનાર વેપારીઓ તેમજ નાગરિકો સહીત કુલ ૭૭ લોકો માસ્ક વિના મળી આવતા ૨૦૦ રૂપિયા દરેકને દંડ ફટકારી કુલ ૧૫,૪૦૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો તેમજ આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે જેથી માસ્ક ફરજીયાત પહેરવું તેવી અપીલ પણ પાલિકા ટીમે કરી હતી.

(11:46 am IST)