Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સરધારમાં કાંધીએ રાખેલી ઘડીયાળ ઉતારવા જતાં કાળોતરો કરડ્યોઃ ૧૨ વર્ષના અશોકનો જીવ ગયો

રાજકોટ તા. ૬: વરસાદની સિઝન શરૂ થતાં જ જીવજંતુઓ કરડવાના બનાવો  બનવા માંડ્યા છે. સરધારમાં બાર વર્ષના ટેણીયાને સાપ કરડી જતાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.સરધાર રહેતાં રમેશભાઇ ચનાભાઇ મકવાણા (વણકર)નો પુત્ર અશોક (ઉ.વ.૧૨) સાંજે સાડા પાંચેક વાગ્યે ઘરમાં લાકડાની કાંધી પર રાખેલી પોતાની ઘડીયાળ ઉતારવા જતાં ત્યાં નળીયાની આડીમાં વીંટળાઇને બેઠેલા સાપે દંશ મારી દેતાં તે બેભાન થઇ ગયો હતો. સારવાર માટે તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના એએસઆઇ નરેન્દ્રભાઇ ચાવડા અને કોૈશલેન્દ્રસિંહ જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર અશોક ધોરણ-૭માં ભણતો હતો. તેના પિતા છુટક મજૂરી કરે છે. અશોક બે ભાઇમાં મોટો હતો. લાડકવાયાના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(11:38 am IST)