Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

પોરબંદર પાલિકાના જનરલ બોર્ડનું લાઇવ પ્રસારણ કરનારા ૩ સામે ગુન્હો

જનરલ બોર્ડની બેઠકનું સોશ્યલ મીડીયામાં લાઇવ પ્રસારણ કરાતા હોબાળો થયેલઃ પોલીસ બોલાવવી પડી

પોરબંદર તા. ૬ :.. નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક દરમિયાન સોશ્યલ મીડીયામાં લાઇવ પ્રસારણ  સંબંધે ભલ્લો ઉર્ફે ભરત મૈયારીયા, અજય બાપોદરા તથા સંજય લોઢારી સામે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.

 

નગરપાલિકા જનરલ બોર્ડની બેઠક ચાલી રહી હતી તેનું સોશ્યલ મીડીયા ઉપર લાઇવ પ્રસારણ કરતા બેઠકમાં હાજર રહેલ સુધરાઇ સભ્યોમાં હોબાળો મચી ગયો હતો અને પોલીસ બોલાવી પડી હતી. નગરપાલીકા કચેરી ખાતે ઇદના રજાના દિવસે જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં કુલ ૮૯ જેટલા વિવિધ ઠરાવો પસાર કરાયા હતાં. બેઠકમાં શાસક પક્ષ ભાજપના ૬ જેટલા સુધરાઇ સભ્યો ગેરહાજર રહ્યા હતાં. બેઠક શરૂ થાય તે પહેલા યુવાનો બેઠકની કાર્યવાહીનું મોબાઇલમાં શુટીંગ કરી રહ્યા હતાં. તેમાંથી સભાની કાર્યવાહીનું ફેસબુક પર લાઇવ પ્રસારણ કરી રહ્યો હતો.

 પાલિકાના કેટલાક સુધરાઇ સભ્યો એ તેને શુટીંગ કરતા અટકાવ્યો હતો આથી સુધરાઇ સભ્યો અને શૂટીંગ કરી રહેલા લોકો વચ્ચે બોલચાલી થઇ હતી અને સુધરાઇ સભ્યોએ એવું જણાવ્યું હતું કે જનરલ બોર્ડની બેઠકમાં સુધરાઇ સભ્ય અને પાલિકાના સ્ટાફ સિવાય બહારનું કોઇ વ્યકિત હાજર રહી શકે નહીં.

તેમ છતાં કોઇ ને બેસવું હોય તો શાંતિથી બેસે તેમજ જે રજૂઆત હોય તે ચીફ ઓફીસરને લેખિતમાં કરે અને મોબાઇલથી શુટીંગ ન કરે. બખેડો શરૂ થતા પાલિકાના કર્મચારીઓએ પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી.

(2:00 pm IST)