Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

મહાકાય ટ્રેઇલર પુલ ઉપર ફસાઈ જતાં માતાના મઢમાં ટ્રાફીક જામઃ દર્શનાર્થીઓ ત્રણ કીમી ચાલીને મંદિરે પહોંચ્યા

૯ કલાક રસ્તો બંધ-આઈનોકસ કંપનીનું ટ્રેઇલર ફસાયા બાદ જવાબદારો પાંચ કલાકે પહોંચ્યા

ભુજ, તા.૬: પવનચક્કીનો સામાન લઈને લખપત તરફ જઈ રહેલું આઈનોકસ કંપનીનું મહાકાય ટ્રેઇલર રસ્તા ઉપર ફસાઈ જતા માતાના મઢ મધ્યે ટ્રાફીક જામ સર્જાયો હતો.

માતાના મઢ પહેલાં જ આવતા સાંકડા પુલ પર ફસાઈ ગયેલા ટ્રેઇલરને પગલે આગળ તરફ લખપત, વર્માનગર, દયાપર જતો રસ્તો બ્લોક થઈ ગયો હતો. પરિણામે માતાના મઢ દર્શન માટે જઈ રહેલા દર્શનાર્થીઓ માટે રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો હતો.

જોકે, સેંકડો દર્શનાર્થીઓ ત્રણ કીમી જેટલું પગે ચાલીને મા આશાપુરના દર્શને પહોંચ્યા હતા. લાંબા ટ્રાફીક જામને પગલે દોડી આવેલી પોલીસે અન્ય રસ્તે વાહનો વાળીને ડાયવરઝન કાઢીને ટ્રાફીક હળવો કરવા પ્રયાસ કર્યો હતો. પણ, નવ કલાક સુધી ટ્રેઇલર ન હટતાં રસ્તા ઉપર હજારો વાહનો અટવાઈ ગયા હતા. આ ઘટના બાદ આઈનોકસ કંપનીના જવાબદારો પણ લાપરવાહી દર્શાવી પાંચ કલાકે ઘટના સ્થળે પહોંચ્યા હતા.

જોકે, પુલ ઉપર પોતાના ટ્રેઇલરને કારણે ટ્રાફીક જામ થતાં ફસાઈ ગયેલા ટ્રેઇલરનો ચાલક વાહન છોડીને નાસી છૂટ્યો હતો. સખત ગરમીને કારણે પ્રવાસીઓને મદદરૂપ બનવા માતાના મઢના સરપંચે ઠંડા પીણાંની અને દર્શને પહોંચવા માટે જીપની વ્યવસ્થા કરી હતી.

(11:53 am IST)