Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ગઢડા (સ્‍વામીના)માં ૩૯ લાખની આંગડીયા લૂંટમાં લૂંટારૂઓ ઝડપાયા

ઇદ નિમિત્તે ગોઠવાયેલ પોલીસ બંદોબસ્‍ત કામ કરી ગયોઃ ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયોઃ પ આરોપીઓની ધરપકડઃ ર ની શોધખોળ

ભાવનગર, તા.૬: ગઢડા(સ્‍વામીના) મુકામે બોટાદ રોડ ઉપર આવેલી પી. વિજય આંગડીયા પેઢીના કર્મચારીને વહેલી સવારે ૯-૦૦ વાગે ઉગામેડી જઇ રહેલ તે દરમિયાન અજાણ્‍યા મોટરસાઇકલ સવારોએ આંતરીને મુદ્દામાલ ભરેલો થેલો ઝૂંટવી લૂંટ ચલાવી ફરાર થઇ જતા ભારે ચકચાર સાથે પોલિસ સ્‍ટેન્‍ડબાય બનવા પામી હતી.

 

સમગ્ર ચકચારી લૂંટ અને ગણતરીની કલાકોમાં ઉકેલાયેલા ભેદની ગઢડા પોલિસ સ્‍ટેશન ખાતેથી જિલ્લા પોલિસ વડા હર્ષદ મહેતાએ આપેલી માહિતી મુજબ આ લૂંટ ના ગુન્‍હામાં સાત વ્‍યક્‍તિઓ સામેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્‍યુ હતુ. ગઢડા ખાતે આવેલી પી. વિજય આંગડીયા પેઢી ના કર્મચારી અને ફરીયાદી રાકેશ ઉર્ફે આર.કે. નિત્‍ય ક્રમ મુજબ ગઢડા થી સાત કી.મી. ના અંતરે આવેલા ઉગામેડી ગામે રોકડ રકમ તથા હિરાની લેવડ દેવડ માટે વહેલી સવારે ૯-૦૦ કલાકે બાઇક લઇને જઇ રહેલ હતો. તે દરમિયાન બે અજાણ્‍યા મોટર સાઇકલ સવારોએ આંતરીને ટલ્લો મારી પછાડી દીધેલ અને તે દરમિયાન નંબર પ્‍લેટ વગરની કાળા કલરની ફોરવ્‍હીલ ગાડીમાં પાંચ અજાણ્‍યા શખ્‍સોએ આવીને ૪૨ હિરાના પડીકા અને ૬ લાખ ૨૮ હજારની રોકડ રકમ ભરેલો થેલો લઇને છૂમંતર થઇ ગયા હતા.

આ ઘટના દરમિયાન આંગડીયા કર્મચારી દ્વારા પોલિસને જાણ કરતા પોલિસ સક્રીય થવા પામી હતી. ખાસ કરીને સમગ્ર જગ્‍યાએ ઇદના કારણે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હોવાના કારણે સ્‍ટેન્‍ડબાય પોલિસ હોવાથી સંકલન જળવાતા લૂંટારૂઓનું પગેરુ દબોચ્‍યુ હતુ. આ દરમિયાન ફરીયાદીએ આપેલી માહિતી મુજબ ટોયોટા કોરોલા કાળા કલરની ફોરવ્‍હીલ કાર ઉગામેડી તરફ નાસી છૂટેલ જે તરફ પોલિસવાન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જે જે ગામમાંથી આ કાર પસાર થવા પામેલ તે માહીતીના આધારે પગેરૂ દબાવ્‍યુ હતુ.

આ દરમિયાન ઉગામેડી થી હરિપર અને ભાંભણ તરફ સમગ્ર બોટાદ પાળીયાદ સહિતની પોલિસ ટીમ દ્વારા નાકા બંધી કરી દેવામાં આવી હતી. જે દરમિયાન ભાંભણ ગામથી ભીમડાદ તરફ જઇ રહેલા આરોપીની કારનું એક ટાયર ફાટી જતા વધારે ભાગવુ અદ્યરુ થઇ પડ્‍યુ હતુ. જેના કારણે કાર ભીમડાદ ખાતે આવેલા તળાવ વિસ્‍તારમાં મૂકીને નાસી છૂટ્‍યા હતા. પરંતુ વધારે આગળ નહી નિકળી શકતા પોલિસ દ્વારા બે શખ્‍સોને ઝડપી લેવામાં સફળતા મળી હતી. તેમજ ઝડપાયેલા આરોપી પાસેથી મળેલી માહિતી મુજબ અન્‍ય બે આરોપીઓ નજીકમાં છૂપાયેલા હોવાનું તથા અન્‍ય ત્રણ આરોપીઓ બાઇક લઇને નાસી છૂટ્‍યા હવાનું જાણવા મળ્‍યુ હતુ.

જે મુજબ ખાખૂઇ ગામના સીમ વિસ્‍તારમાં કોમ્‍બિંગ કરતા વધુ બે આરોપીઓ ઝડપાય ગયા હતા. તેમજ અન્‍ય ત્રણ આરોપીઓ ગણતરીની કલાકોમાં પોલીસના હાથ વેંતમાં હોવાની આશા વ્‍યક્‍ત કરી હતી. સમગ્ર લૂંટની ઘટના પ્રકરણે કુલ સાત શખ્‍સોએ ઘડેલા આ લૂંટના પ્‍લાનની વિગત મુજબ ગઢડા(સ્‍વામીના) તાલુકાના સાળંગપરડા અને સખપર ગામે રહેતા અને હિરાનો વ્‍યવસાય કરતા બે શખ્‍સોએ નાણાંભીડના કારણે આ લૂંટનું કારસ્‍તાન રચ્‍યુ હતુ.  આ લૂંટના ઇરાદાને પાર પાડવા માટે ચોટીલા પંથકના થાનગઢ વિસ્‍તારના અન્‍ય પાંચ શખ્‍સોનો સંપર્ક કરી આંગડીયા કર્મચારીની રેકી કરી આ લૂંટને અંજામ આપવાનો કારસો રચ્‍યો હતો. પરંતુ ફરીયાદીની સમયસૂચક માહિતી અને પોલિસ બંદોબસ્‍ત તથા સંકલનના કારણે લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાંજ ઉકેલાઇ ગયો હતો.

આ સમગ્ર લૂંટમાં સંડોવાયેલા આરોપીઓમાં (૧) અશોક બચુભાઇ કિહલા ઉં.વ. ૨૫ જાતે કોળી ધંધો હિરા રહે. અમરાપુર તા.થાનગઢ, (૨) ગણેશ ઉર્ફે ગણો મેરાભાઇ નાગડુકીયા ઉં.વ.૩૫ ધંધો મજૂરી રહે સરથાણા તા.થાન, (૩) સંજય ભનજીભાઇ તાવીયા જાતે કોળી ઉં.વ.૨૬ ધંધો હિરા રહે સાળંગપરડા તા.ગઢડા, (૪) વિપુલ મકવાણા રહે મોટા સખપર તા.ગઢડા, (૫) મહેશ ઝાલાભાઇ વિજળીયા રહે. થાન ફોરવ્‍હીલ ગાડીવાળો, (૬) ચંદુ ઉર્ફે ઢીંગલી જેજરીયા રહે અભેપર તા.થાન અને (૭) જયંતિ ગોરધનભાઇ ગાબુ ઉં.વ૪૦ જાતે કોળી સાળંગપરડા તા.ગઢડા કુલ સાત આરોપીઓની ઓળખ થવા પામી હતી. જેમાંથી કુલ ૫ આરોપીઓ  મુદ્દામાલ સાથે પકડાય જવા પામેલ છે.

તેમજ અન્‍ય બાકી બે આરોપીઓ પણ પોલિસના હાથ વેતમાં હોવાનું જણાવ્‍યુ હતુ. આમ ચકચારી મોટી લૂંટ પ્રકરણનો ભેદ ઉકેલવામાં પોલિસને સફળતા મળી હતી.

 

(11:14 am IST)