Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

પ્રેમલગ્ન કરનાર દંપતિને ઉઠાવી જનાર અપહરણકારો ઝડપાયા

બગસરાથી ભાવનગર સગાને ત્‍યાંથી સ્‍કૂટર ઉપર જઈ રહ્યા હતા ત્‍યારે બોલેરો કારમાં આવેલ યુવતિના પરિવારજનો ઢસા પાસેથી ઝડપાયા

ભાવનગર, તા. ૬ :. બગસરાથી પ્રેમલગ્ન કરી નાસી જઈ ભાવનગરને ત્‍યાં સગાને ત્‍યાં રહેતા ૨૨ દિવસ પહેલા પ્રેમલગ્ન કરનાર દંપતિનું યુવતીના પરિવારજનો ભાવનગર આવી અપહરણ કરી નાસી છૂટયા હતા. દરમ્‍યાન પોલીસે ઢસા નજીકથી અપહરણકારોને ઝડપી લીધા હતા.

બનાવની વિગતો એવી છે કે બગસરામાં રહેતા અને ફર્નિચરનો ધંધો કરતા શાહરૂખ રહીમભાઈ કુરેશી (ઉ.વ. ૨૮)એ ૨૨ દિવસ પહેલા નિરાલીબેન દીપાભાઈ બાવાજી (ઉ.વ. ૨૪) સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને તેઓ ત્‍યાંથી ભાગી ભાવનગર આવી શહેરના આનંદનગર વિસ્‍તારમાં રહેતા સગા શરીફાબેનના ઘરે રહેતા હતા.

દરમિયાન ગઈકાલે સાંજે શાહરૂખ અને તેના પત્‍નિ સ્‍કૂટર ઉપર આનંદનગર વિસ્‍તારમાંથી પસાર થતા હતા ત્‍યારે બોલેરો કારમાં આવેલા યુવતીના પરિવારજનોએ સ્‍કૂટર પર જઈ રહેલા શાહરૂખ અને નિરાલીનું અપહરણ કરી નાસી છૂટયા હતા.

આ અંગે પોલીસને જાણ કરાતા ભાવનગર પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન બોલેરો કાર ઢસા પાસેથી ઝડપાઈ ગઈ હતી. જો કે આ બનાવ અંગે પોલીસમાં કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

(11:10 am IST)