Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

પોરબંદર ડબ્‍બા ટ્રેડીંગના કેસમાં મહત્‍વનો ચૂકાદોઃ ચીફ કોર્ટમાં કેસ ચલાવવા હુકમ

સીકયુરીટી કોન્‍ટ્રેકટ એકટ-આજીવન સજાની કલમો દુર કરાઇ

પોરબંદર તા. ૬ :.. પોરબંદર કોર્ટ દ્વારા ડબ્‍બા ટ્રેડીંગમાં મહત્‍વનો ચૂકાદો ડીસ્‍ટ્રીકટ કોર્ટે આપેલ હતો.

પોરબંદરમાં વાર તહેવારે પોલીસ દ્વારા શેરનું લે-વેચ કરતી ઓફીસોમાં રેડ પાડી ગેરકાયદેસર સ્‍ટોક એકસચેન્‍જ ચલાવતા હોવાનું જણાવી ડબ્‍બા ટ્રેડીંગ કરતા હોવાનો આક્ષેપ મુકી ધરપકડ કરવામાં આવે છે એટલુ જ નહી કોમ્‍પ્‍યુટરમાં લખેલા સોદાના આધારે કે ડાયરીમાં ટૂંકા નામો લખેલા હોય તેવી વ્‍યકિતઓ સામે કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવે છે અને એક કિસ્‍સામાં તો  પોલીસ દ્વારા ૪પ વ્‍યકિતઓ સામે ડબ્‍બા ટ્રેડીંગનો કેસ કરેલો હતો અને તે રીતે શેર લે-વેચનો ધંધો કરતા વ્‍યકિતઓને પોલીસ પકડતી હોય અને સીકયુરીટી કોન્‍ટ્રેકટ એકટ કે જેમાં બે કરોડના દંડની જોગવાઇ  તથા આજીવન કેદ ને સજાને પાત્ર જોગવાઇ  હોય અને તેથી આવા કેસો સેશન્‍સ કોર્ટમાં ચાલતા હતા અને પોરબંદરના એડીશ્‍નલ ડીસ્‍ટ્રીકટ જજની કોર્ટમાં દશ જેટલા કેસો ચાલતા હોય તે તમામમાં અલગ અલગ આરોપીઓ દ્વારા ડીસ્‍ચાર્જ અરજી કરી હતી.

પોરબંદરના એડી. ડિસ્‍ટીકટ જજ શ્રી ભટ્ટ દ્વારા તમામ કેસો માંથી સીકયુરીટી કોન્‍ટ્રેકટ એકટની તમામ કલમો ચાર્જશીટ માંથી દુર કરેલ છે. અને તે રીતે તમામ આરોપી સામે બે કરોડનો દંડ અને આજીવન સજાને પાત્ર કલમો હતી તે દૂર કરતા અને તેટલા પુરતા ગુન્‍હામાં ડીસ્‍ચાર્જ કરેલ છે અને આઇપીસીની કલમો સબંધે હવે ચીફ કોર્ટમાં કેસો ચલાવવા હુકમ કરેલ છે.

તે રીતે આ ચુકાદાથી તમામ આરોપીઓને મોટી રાહત મળેલ છે અને ડબ્‍બા ટ્રેડીંગમાં પોલીસને કોઇ તપાસ કરવાનો કે ફરીયાદ લેવાનો કોઇ હકક અધિકાર ન હોવાનું પ્રસ્‍થાપીત થયેલ છે.

આવા કુલ આઠ કેસોમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઇ બી. લાખાણી, ભરતભાઇ બી. લાખાણી, હેમાંગ લાખાણી, અનિલ ડી. સુરાણી, જીતેન સોનીગ્રા, જયેશ બારોટ તથા નવધણ જાડેજા તમામ રોકાયેલા હતાં.

(10:34 am IST)