Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ગોંડલ રમજાન ઈદ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની વૃક્ષારોપણ દ્વારા ઉજવણી

ગોંડલઃ વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ દાઉદી વ્હોરા સમાજ એ ૩૦ દિવસના રોજા બાદ રમજાન ઈદની ખુશાલીમાં સમગ્ર વિશ્વને એક ઉમદા અને સમજદારીનો અનુકરણીય સંદેશ આપ્યો હતો. ગોંડલની શેરીમાં આવેલ દાઉદી વ્હોરા સમાજની મસ્જિદમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. દાઉદી વ્હોરા સમાજના શેખ ઝોહેરભાઈ, જનાબ આમિલ સાહેબ, ગોંડલ જમાત સેક્રેટરી મોઇઝભાઈ સાદીકોટ, શબ્બીરભાઈ લાકડાવાળા, અબ્બાસભાઈ સાદીકોટ, હુસેનભાઈ ધનકોટ, અલી અસગરભાઈ સાદીકોટ, અમ્મારભાઈ ધનકોટ, ઇબ્રાહિમભાઈ લાકડાવાળા, કૈઝાર સાદીકોટ, જહબીયા, ફાતેમી અને પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવેએ સાથે મળી મસ્જિદની આગળ આસોપાલવના છોડનું વાવેતર કરી રમજાન ઈદની ખુશી અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી એક સાથે કરી એક નેક અને વિશિષ્ટ સંદેશો સમગ્ર માનવજાતને આપ્યો હતો. સુખી અને તંદુરસ્ત ભવિષ્ય માટે સૌએ સાથે મળી વિશ્વના પર્યાવરણની જાળવણી કરવી પડશે. આજ આપણો ધર્મ છે. આજ આપણી જવાબદારી છે તેવું જણાવ્યું હતું.

(10:33 am IST)