Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

પોરબંદરમાં ચારેકોર ગંદકીનું સામ્રાજય...રોગચાળાની ભિતી

વિવિધ પ્રશ્નો ઉકેલવાની માંગણી સાથે છેલ્લા બે માસથી સફાઇ કામદારો હડતાલના માર્ગે : ૨૦ વર્ષથી કાયમી નહિ કરાયા હોવાના આક્ષેપ સાથે ૫૮ કામદારો ઉપવાસ ઉપર, ૬ દિ'થી સેટઅપ : પરના સફાઇ કામદારો પણ જોડાતા શહેરની હાલત ખરાબઃ આંદોલન ઉગ્ર થવાના એંધાણ

પોરબંદર,તા.૬: અહીયા કાયમી કરવાની માંગણી સહિત વિવિધ પ્રશ્ને સફાઇ કામદારો દ્વારા છેલ્લા બે માસથી ઉપવાસ આંદોલન ચાલી રહયુ હોવાથી સફાઇના અભાવે ચોતરફ પ્રસરેલી ગંદકીને પગલે ગંભીર રોગચાળો ફેલાવાની સૌને ભિતી સતાવી રહી છે.

આ અંગે જાણવા મળ્યા માુજબ સફાઇ કામદારો દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી કાયમી કરવાની વાતો થઇ રહી હોવા છતા પણ હજુ સુધી યોગ્ય નિવેડો નહિ આવતા ૫૮ જેટલા સફાઇ કામદારો બે માસથી હડતાલના માર્ગે છે...જેમાં છેલ્લા ૬ દિવસથી સેટઅપ પરના કામદારો પણ ધરણા-ઉપવાસમાં જોડાતા સમગ્ર શહેરભરમાં સફાઇ વ્યવસ્થાના નામે મીંડુ છે...બે માસથી નિયમિતપણે સફાઇ થઇ નહિ હોવાથી જયા જુઓ ત્યાં ગંદકીના થર જામવા લાગ્યા છે.

દરમિયાન હડતાલનો માર્ગ અપનાવનાર સફાઇ કામદારોએ રોષભેર જણાવ્યું હતુ કે, છેલ્લા બે માસ જેટલો સમય વિતવા છતા પણ સતાધીશો શા કારણે માંગણી મુદે કોઇ યોગ્ય નિવેડો લાવવા માંગતા નથી?...અત્યાર સુધી ધરણા-ઉપવાસ કર્યા હવે જો સત્વરે ન્યાય નહિ મળે તો નાછુટકે અન્ય આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવાની ફરજ પડશે એવી ઉગ્ર ચિમકી ઉચ્ચારાઇ છે.

વધુમાં જાણવા મળ્યા અનુસાર આજથી જ સફાઇ કામદારોનું આંદોલન ઉગ્ર થવા જઇ રહયું છે.(૪.૪)

નગરપાલિકાના અગાઉના સતાધીશોની કામગીરીના વર્ષો બાદ પણ વખાણ...

પોરબંદરઃ અહીયા કાયમી કરવાની માંગણીને લઇને સફાઇ કામદારો બે માસથી હડતાલના માર્ગે હોવા છતા પણ જેના શિરે સતા છે એ સતાધીશો હજુ સુધી કોઇ નિવેડો લાવી શકયા નથી...ત્યારે મોટા ભાગના વડીલો તો, અગાઉના શાસકોની કામગીરીને વર્ષો બાદ પણ ભૂલ્યા નથી.

દરમિયાન કેટલાક જાગૃત નાગરિકોના મુખેથી સંભળાવા લાગ્યું છે કે, જે તે સમયે સ્વ.વસનજી ખેરાજ ઠકરાર, બી.ડી.કકકડ કે ડો.બી.બી.ઝાલા જેવા સતાધીશો હતા ત્યારે પણ કોઇને કોઇ કારણસર આંદોલનો તો થતા હતા, પરંતુ આગવી કુનેહ અને આયોજનબધ્ધ નીતિને પગલે જો કોઇ હડતાલ ઉપર ઉતરે તો માત્ર ગણતરીના દિવસોમાં જ નિવેડો લાવી દેવાતો હતો...જયારે હાલના સમયમાં તો બે-બે મહિના વિતી જવા છતા પણ કોઇ ઉકેલ આવતો નથી કેમ??

(12:33 pm IST)